Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

કોરોના થાય નહીં તે માટે સાવધ રહેજો પણ થાય તો ગભરાશો નહીં : ભુજની જી.કે.માં ૯૫ વર્ષીય વડીલે કોરોનાને આપી લપડાક

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૫: કોરોના થાય નહીં એ માટે તમામ સાવચેતી લેજો અને તેમ છ્તા થઈ જાય તો જરાય ગભરાશો નહીં આપણાં ડોકટરો અને ઉપરવાળો બધાનું ભલું કરશે. એવો સંદેશ ભુજના ૯૫ વર્ષીય વડીલ અદાણી સંચાલિત જી.કે જનરલ હોસ્પિટલના કોરોનાને જબ્બરદસ્ત લપડાક ફટકારીને આપ્યો છે.

ભુજના વયોવૃધ્ધ વડીલ ખીમજી વિશ્રામ હિરાણીએ અને આયખાની ૯૫ નોટઆઉટ ઉમરે એમને કોરોનારૂપી કાળમુખો લાગુ પડી ગયો પરંતુ, તેઓ જી.કે. જનરલમાં દાખલ થયા. તબીબોને તેમનો અહેવાલ તૈયાર કરતા જાણવા મળ્યું કે, તેમને ડાયાબિટીસ પણ હતું. ઉમર અંગે સાવચેતી રાખી તેમની આર આઈ.સી.યુ.માં સારવાર શરૂ કરવામાં આવી.

જી.કે. હોસ્પિટલમાં પ્રારંભે તેમને ઓકિસજનની ખામીની અસરને ધ્યાનમાં લઈ હાઇફલો નેઝલ કેન્યુલા ઉપર રાખવામા આવ્યા હતા. ત્યારપછી તેમની તબિયત સકારાત્મક પ્રતીભાવ આપવાનું શરૂ કર્યું. તેમ છ્તા સતત મોનિટરિંગ કરી તેમને તબક્કાવાર જુદા જુદા ઓકસીજન પૂરક માસ્ક ઉપર રાખવામા આવ્યા.

હોસ્પિટલના બ્રધર પ્રવીણ દવેએ કહ્યું કે, તેમને ૧૧ દિવસ સુધી આવી ઓકસીજન સંલગ્ન સારવાર તેમજ તેમની ઉમરને ધ્યાનમાં લઈ તમામ સાવચેતી સાથે ઘરે જવા સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી.

આ વડીલે કહ્યું કે, મને હોસ્પિટલમાં કોઈ જાતની તકલીફ પડી નથી. ખાધેપીધે અને મારી ચાકરી પણ બરોબર થતી. દરેક વ્યકિત ઉપર ભગવાન કૃપા કરશે. અને તમામ ડોકટર્સ, નર્સ અને દરેકને હજાર હાથવાળો શકિત સાથે એવા આશીર્વાદ પણ આપ્યા હતા.

(11:14 am IST)