Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

પોરબંદરમાં કોરોનાની જેટ ગતિઃ ૨૪ કલાકમાં ૭ મૃત્યુઃ નવા ૩૭ પોઝીટીવ કેસ

બન્ને કોવિડ હોસ્પીટલોમાં ૩૦૦થી વધુ દર્દીઓ ઓકસીજન ઉપરઃ ૪૦ દર્દીઓ સાજા થતા હોસ્પીટલમાંથી રજા અપાઈ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૫ :. જિલ્લામાં અઠવાડિયાથી કોરોનાથી સરેરાશ ૨ થી ૩ મૃત્યુ નોંધાતા હતા ત્યારે આજે સવારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૭ દર્દીઓએ દમ તોડી દીધો હતો. જિલ્લામાં કોરોના સંક્રમણે જેટ ગતિ પકડી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક ૧૩૯ પહોંચ્યો છે.

સિવિલ હોસ્પીટલના ઈન્ચાર્જ ડો. ઠાકોરે આજે સવારે જણાવેલ કે શહેરની ૨ કોવિડ હોસ્પીટલો તથા ભાવસિંહજી સરકારી હોસ્પીટલમાં ૨૪ કલાકમાં સારવારમાં રહેલા કોરોનાના ૭ દર્દીઓના મૃત્યુ થયેલ છે.

ગઈકાલે કોરોનાના ૬૧૬ દર્દીઓના કોરોના ટેસ્ટ સિવિલ હોસ્પીટલમા કરવામાં આવ્યા હતા. જેમાં ૩૭ દર્દીઓના કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલ તેમજ ગઈકાલે સાંજે ૫ વાગ્યા સુધીમાં કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયુ નહોતુ અને ત્યાર બાદ સારવારમાં રહેલ ૭ દર્દીઓના કોરોનાથી મૃત્યુ નિપજ્યા હતા. જિલ્લામાં કોરોનાની સારવારમાં ૪૦ દર્દીઓ સાજા થઈ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૩૮૫ દર્દીઓ સાજા થઈ ગયેલ છે.

શહેરની ૨ કોવિડ હોસ્પીટલમાં હાલ ૩૦૦થી વધુ દર્દીઓ ઓકસીજન ઉપર છે કોરોનાના નવા ૩૭ દર્દીઓ ઝુરીબાગ છાંયા કુતિયાણાના પસવારી સીમાણી વગેરે વિસ્તારોમાંથી આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવનો કુલ આંક ૧૬૦૮ થયો છે. સરકારી હોસ્પીટલ આઈસોલેશનમાં હાલ ૭૫ દર્દીઓ તેમજ સેમી આઈસોલેશનમાં ૧૨૫ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહેલ છે. હોમ આઈસોલેશનમાં ૧૪૫ વ્યકિતઓ છે.

(12:53 pm IST)