Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

મોરબી-માળીયાના વિવિધ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા ધારાસભ્ય મેરજા

ભાજપ અગ્રણી અને અન્ય હોદેદારો સાથે સિમ્પોલો કોરોના કેર સેન્ટર અને જય અંબે કોરોના કેર સેન્ટરની પણ મુલાકાત લીધી

મોરબી : મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજા સ્વસ્થ થતાની સાથે જ કોરોના મહામારીની સમીક્ષાની સાથે જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રો અને કોવિડ કેર સેન્ટરની મુલાકાત લેવાનું શરૂ કર્યું છે. આ મુલાકાત દરમિયાન તેમની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ અને આગેવાનો પણ જોડાયા હતા.
મોરબી તાલુકાનાં રંગપર, ખાખરાળા, બગથળા, ભરતનગર, માળીયા (મી.) તાલુકાનાં ખાખરેચી, વવાણિયા અને સરવડ પ્રાથમિક આરોગ્ય સેન્ટર, જેતપર મચ્છુ તેમજ માળીયા (મી.) ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્ર, જૂના ઘાંટીલા ખાતેના હેલ્થ કોમ્યુનિટિ સેન્ટર વિગેરેની મોરબી – માળીયા (મી.)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખના પ્રતિનિધિ જિગ્નેશભાઈ કૈલા, જિલ્લા પંચાયતની કારોબારીના સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબીયા, મોરબી સિરામિક એસોસીએશન (વિટ્રીફાઈડ ટાઇલ્સ ડિવિઝન)ના પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિદભાઈ વાંસદડીયા, માળીયા (મી.) તાલુકા ભાજપના મહામંત્રી અરજણભાઈ હુંબલ, મનીષભાઈ કાંજીયા, જિલ્લા ભાજપ મહામંત્રી બાબુભાઈ હુંબલ, જિલ્લા પંચાયતના સભ્ય અજયભાઈ લોરીયા, તાલુકા પંચાયતના સભ્ય કાવરભાઈ, ભૂપતભાઈ, કેતનભાઈ વિડજા સહિતનાએ મુલાકાત લીધી હતી.
તેઓએ કોવિડની આપતીજનક સ્થિતિમાં લોકોને ઉપયોગી થવા જે તે આરોગ્ય કેન્દ્રમાં જરૂરિયાતથી વિશેષ રેપિડ ટેસ્ટ કીટ સહિતની સવલતો આપી હતી. સંબધિત આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ સાથે પણ આગેવાનોએ ચર્ચા કરીને મળતી સારવાર બાબતે પણ દર્દીઓ પાસેથી માહિતી મેળવી હતી. તદુપરાંત, ભરતવન ખાતેના સિમ્પોલો ગ્રુપ આયોજિત કોરોના કેર સેન્ટરની પણ મુલાકાત લઈ નવીનભાઈ ફેફર સાથે આ કોરોના સેન્ટરને મળતી સવલતો બાબતે ચર્ચા કરી હતી. તેમજ બેલા ખાતેના જય અંબે ગ્રુપ સંચાલિત કોરોના કેર સેન્ટરમાં 69 દર્દીઓ સાજા થઈને પાછા ગયા તે અંગે આ કેર સેન્ટરની મુલાકાત વખતે માહિતી મળતા આગેવાનોએ ધન્યતા અનુભવી હતી. આમ, સિમ્પોલો કોરોના કેર સેન્ટર – ભરતવન તેમજ જય અંબે કોરોના કેર સેન્ટર – બેલા દ્વારા કોરોનાના કપરા કાળમાં દર્દીઓને વરદાનરૂપ સેવા આપીને કરેલ કામગીરી બદલ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આ બંને કોરોના કેર સેન્ટરના સંચાલકોને અભિનંદન આપી મોરબીના પ્રતિનિધિ તરીકે આભાર માન્યો હતો.

(6:50 pm IST)