Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

વાંકાનેરમાં રૂ. ૪રર.૭૬ લાખનાં ખર્ચે નવો એસ.ટી. ડેપો બનશેઃ વિજયભાઇના હસ્તે ઇ-ખાતમુહૂર્ત

કુંવરજીભાઇ બાવળીયા, મોહનભાઇ કુંડારીયા સહિતનાની ઉપસ્થિતી

વાંકાનેર : નવા બની રહેલા એસ. ટી. બસ સ્ટેશનના ઇ-ખાત મુહુર્તમાં ઉપસ્થિત મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, કેશરીદેવસિંહજી ઝાલા, વાંકાનેર એસ. ટી. બસ સ્ટેશન મેનેજર કવિતાબેન ભટ્ટ વિગેરે અગ્રણીઓ તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર - અહેવાલ : નિલેશ ચંદારાણા-મહમદ રાઠોડ -વાંકાનેર)

(નિલેશ ચંદારાણા-મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. પ :.. વાંકાનેર ખાતે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા રાજયના જુદા જુદા સાત જેટલા એસ. ટી. ડેપો બસ સ્ટેશનો અને વર્કશોપનું ઇ-ખાતમુર્હુત કરાયુ હતું.

વાંકાનેરમાં વર્તમાન એસ. ટી. ડેપોની જગ્યા નવો અદ્યતન સુવિધા સભરનું નવુ બસ સ્ટેશન ડેપો રાજય સરકાર દ્વારા રૂ. ૪રર.૭૬ લાખના ખર્ચ બનાવવામાં આવી રહ્યો છે. આ નવા બસ સ્ટેશનનું ઇ-ખાત મુર્હુત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવેલુ હતું.

જયારે ખાત મુર્હુત રાજયના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે કરવામાં આવ્યુ હતું.

ખાત મુર્હુત કાર્યક્રમમાં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, વાંકાનેરના રાજવી કેશરીદેવસિંહ ઝાલા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીના પતિ ધર્મેન્દ્રસિંહ ઝાલા, મહિલા અગ્રણી અને તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાશાબેન મેર હીરાભાઇ માલધારી સહિતના મંચસ્થ મહેમાનોના હસ્તે પ્રથમ દિપ પ્રાગટય બાદ એસ. ટી. ડેપો ખાતે કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે ખાત મુર્હુત કરવામાં આવ્યું હતું. એસ. ટી. ડેપો મેનેજર કવિતાબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતાં.

આ કાર્યક્રમમાં વાંકાનેર ભાજપના અગ્રણીઓ, પત્રકારો, આમંત્રીત મહેમાનો ઉપરાંત વિભાગીય નિયામક ઇન્ચાર્જ જુનાગઢના જી. ઓ. શાહ, ડી. એમ. એ. સોની, ડી. ડબલ્યુ એસ. ઠુમર, એસ. ટી. કર્મચારી મહામંડળના પ્રમુખશ્રી જયુભા જાડેજા, બાંધકામ અધિકારી વનરાજસિંહ પરમાર, એ. ટી. એસ. ભરતસિંહ જાડેજા, મહેબુબભાઇ લહેજી, જે. બી. ઝાલા, પરવેઝ બાદી, યશપાલસિંહ વાળા, જનકસિંહ ઝાલા, પી. ડી. ઝાલા, હમીદ કાદરી, વર્કશોપ ઇન્ચાર્જ જીતુભા જાડેજા, એસ. ટી. ડેપોનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતાં. સુંદર આયોજન કરનાર વાંકાનેર એસ. ટી. ડેપોના કર્મચારીઓને અને અગ્રણીઓને મંચસ્થ અગ્રણીઓ અને અધિકારીઓએ ધન્યવાદ આપ્યા હતાં.

આ કાર્યક્રમ પુરો થયા બાદ હાજર મહાનુભાવોએ વાંકાનેર સરકારી હોસ્પીટલની મુલાકાત લીધી હતી. જેમાં નવી શરૂ થયેલ ડાયાલીસીસ સુવિધા સાથે તેનો લાભ લઇ રહેલા દર્દીઓને મુલાકાત લીધી હતી, બાદમાં તમામ અગ્રણીઓએ  તાલુકા પંચાયત - વાંકાનેર ખાતે, પ્રમુખશ્રીની ઓફીસમાં વિવિધ ગ્રામ્ય વિસ્તારના આગેવાનોના પ્રશ્નો સાંભળી, જે તે વિભાગના અધિકારીઓને સુચનાઓ આપી હતી. બાદમાં વાંકાનેર મામલતદાર તા. વિકાસ અધિકારી, ન.પા.ના ચીફ ઓફીસરની મહત્વની જગ્યાએ ખાલી હોઇ, તે તાત્કાલીક નિમણૂક અપાવવા  એકજ અવાજે બધાએ રજૂઆત કરતા તે અંગે ઘટતુ કરવા મંત્રી અને સાંસદશ્રીએ ખાત્રી આપી હતી.

(11:41 am IST)