Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

કચ્‍છના પુનડી ગામે રાષ્‍ટ્રીય સંત પૂ. નમ્રમુનિ મ.સા.નો મંગલ ચાતુર્માસ પ્રવેશ

વિધાનસભા અધ્‍યક્ષ ડો. નીમાબેન આચાર્ય ઉપરાંત સમગ્ર કચ્‍છ સહિત દેશ-વિદેશથી શ્રાવક-શ્રાવિકાઓ વિશાળ સંખ્‍યામાં ઉમટયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૫ : એસપીએમ પરિવાર દ્વારા પુનડી ખાતે પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ ૬ સંતો તેમજ પૂજય શ્રી પ્રબોધિકાબાઈ મહાસતીજી, પૂજય શ્રી પરમ સંબોધિજી મહાસતીજી આદિ ઠાણા ૩૬ મળીને એક સાથે ૪૨ સંત-સતીજીઓ એસપીએમ આરોગ્‍યધામ પુનડી ખાતે કલ્‍યાણકારી કચ્‍છ ચાતુર્માસ અર્થે બિરાજમાન થયા છે ત્‍યારે તેમનો ચાતુર્માસ મંગલ પ્રવેશ પ્રસંગ યોજાયો હતો.ᅠ

આ પ્રસંગે રાષ્ટ્રીય સંત શ્રી પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબે ઉપસ્‍થિત સૌને આશીર્વચન પાઠવીને જણાવ્‍યું હતું કે, આ પાવન ચાતુર્માસ સર્વજનો માટે હિતકારી થાય. જે લક્ષ્યની સાથે ચાતુર્માસ પ્રવેશ થઈ રહ્યો છે એ જ લક્ષ્યની સાથે ચાતુર્માસ સંપન્ન થાય. હ્રદયની ઉદારતા રાખીને જીવન જીવવા મહારાજ સાહેબે ઉપસ્‍થિત સૌને રાહ ચીંધી હતી. કચ્‍છની પાવન ધરતી પર આવીને ધન્‍યતા અનુભવી રહ્યો છું એમ કહીંને મહારાજ સાહેબે પોતાના અંતરની લાગણી વ્‍યક્‍ત કરી હતી. ચાતુર્માસ કરાવનારા પરિવારને પાવન કાર્ય બદલ આર્શીવાદ પાઠવ્‍યા હતા.

આજરોજના આ શુભ ચાતુર્માસના મંગલ પ્રવેશ અવસરે ચાતુર્માસ સ્‍વાગત સમારોહમાં વિધાનસભાના અધ્‍યક્ષા શ્રી ડો.નીમાબેન આચાર્યે હાજરી આપીને પૂ.નમ્રમુનિ મહારાજ સાહેબ સહિત ઉપસ્‍થિત તમામ સંતોના આશીર્વચન પ્રાપ્ત કરીને ધન્‍યતા અનુભવી હતી. ચાતુર્માસના પાવન પ્રસંગે વિધાનસભાના અધ્‍યક્ષ  ડો.નીમાબેન આચાર્યે રાષ્ટ્રીય સંત પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબને કોટિ કોટિ વંદન કરીને પોતાનો ભાવ વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું કે, આજે આપણા કચ્‍છના આંગણે આ રૂડો અવસર આવ્‍યો છે. ઉપસ્‍થિત સૌને અધ્‍યક્ષાશ્રીએ ચાતુર્માસ પ્રવેશના પાવન પ્રસંગે મહારાજ સાહેબશ્રીનો સંદેશો સાંભળીને ધન્‍યતા અનુભવવા અનુરોધ કર્યો હતો. પૂ. મહારાજ સાહેબની વાણીના શબ્‍દ શબ્‍દને જીવનમાં ઉતારીને તેનું આચરણ કરવું જોઈએ તેમ પણ તેઓએ ઉમેર્યું હતું. અધ્‍યક્ષાશ્રીએ પોતાને પાવન પ્રસંગે આમંત્રણ આપ્‍યું તે બદલ હરખની લાગણી મહારાજ સાહેબની સમક્ષ વ્‍યક્‍ત કરી હતી.ᅠ

અંજાર વિધાનસભાના ધારાસભ્‍ય શ્રી વાસણભાઈ આહિરે આ પ્રસંગે મહારાજ સાહેબને વંદન કરીને કહ્યું કે, ચાતુર્માસ માટે આવીને મહારાજ સાહેબ તમામ પર પોતાની કૃપા અને કરૂણા વરસાવી છે. મહારાજ સાહેબ સમક્ષ હર્ષની લાગણી વ્‍યક્‍ત કરીને ધારાસભ્‍યશ્રીએ જણાવ્‍યું કે, કચ્‍છના વિકાસમાં, કચ્‍છની વિરાસતના રક્ષણમાં જૈન સમાજે સિંહફાળો આપ્‍યો છે. આજે પણ અનેક સામાજિક પ્રવૃત્તિઓ જૈન સમાજ કરી રહ્યો છે.ᅠ

આ પાવન અવસરે, જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારા, માંડવી મુંદ્રા ધારાસભ્‍ય વિરેન્‍દ્રસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્‍ય પંકજભાઈ મહેતા, કચ્‍છ તેરાના મયૂરધ્‍વજસિંહજી, અગ્રણી સર્વે પ્રવિણભાઈ, દિવ્‍યેશભાઈ, મયુરભાઈ, સંઘપતિ પરાગભાઈ શાહ, રમેશભાઈ મોરબીયા, અનિલભાઈ ભાયાણી, કિરીટભાઈ મહેતા, રાજેશભાઈ કોઠારી, ચંદ્રકાંતભાઈ વાડીલાલ,ᅠ સહિત મહાનુભાવો, સંતો, ભાવિકો અને શ્રાવકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:22 am IST)