Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

મોરબીના લાયન્‍સનગરમાં પાણી પ્રશ્‍ને મહિલાઓનો પાલિકામાં મોરચો

બબ્‍બે માસથી પાણી ન આવતા વેચાતુ લઇને પાણી પીવું પડતુ હોવાની ઉગ્ર રજુઆત કરી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૫: મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્‍સનગરમાં પાણી પ્રશ્ને મહિલાઓએ મોરબી નગરપાલિકામા મોરચો માંડ્‍યો હતો અને બબ્‍બે માસથી પાણી ન આવતા વેચાતું લઈને પાણી પીવું પડતું હોવાની ઉગ્ર રજુઆત કરી હતી. તેમ છતાં પાણી પ્રશ્ન હજુ ન ઉકેલાઈ તો ઉગ્ર આંદોલન કરવાની મહિલાઓએ ચીમકી આપી હતી.
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્‍સનગરમાં રહેતી મહિલાઓનું ટોળું આજે નગરપાલિકા કચેરીએ ઘસી ગયું હતું અને તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી કે, તેમના વિસ્‍તારમાં છેલ્લા મેં મહિનાથી સમ ખાવા પૂરતું પણ પાણી આવતું નથી. પાણીને કારણે રોજ હૈયાહોળી થાય છે. તેમનો વિસ્‍તાર શ્રમજીવી હોવાથી મોટાભાગે આખો દિવસ મજૂરી કામ કર્યા બાદ સાંજે પાણીની મોકાણ સામે ઝઝુમવું પડે છે. જો કે પીવા માટે પાણી વેચાતું લઈએ છીએ. પણ વાપરવા માટે રોજ ટેન્‍કર મંગાવવા પોસાય તેમ નથી. આથી આ પાણીની સમસ્‍યા હલ કરવાની માંગ કરી છે.
અત્રે ઉલ્લેખનીય, ઉનાળા દરમિયાન અમુક વિસ્‍તારમાં જ પાણીની બુમરાણ ઉઠી હતી. હવે તો ચોમાસુ શરૂ થતા જ અને વરસાદ આવે એ પહેલાં જ ઘણા વિસ્‍તારમાં પાણીની સમસ્‍યાનો પોકાર ઉઠ્‍યો છે. ઘણા વિસ્‍તારોમાં તો મધરાત્રે પાણી વિતરણ થતું હોવાની પણ ફરિયાદ ઉઠી છે. ઉપરાંત અમુક વિસ્‍તારમાં પાણી વિતરણના કોઈ ઠેકાણા જ હોતા નથી.

 

(10:48 am IST)