Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

જસદણમાં અનેક વાર જીસ્‍વાન ખોરવાતા સરકારી કચેરીઓમાં લોકોને મુશ્‍કેલી

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા. ૫: જસદણની સરકારી કચેરીઓમાં નેટર્વકિંગ માટે સરકારી ગુજરાત સ્‍ટેટ વાઈડ એરિયા નેટવર્ક એટલે કે જીસ્‍વાન સરકાર તરફથી આપવામાં આવેલ છે. જેને દેખરેખ બી.એસ.એન.એલ. કચેરી કરતી હોય છે. છેલ્લા ઘણા સમયથી મામલતદાર કચેરી, પ્રાંત ઓફીસ, પોલીસ સ્‍ટેશન, સિવિલ હોસ્‍પિટલ (જસદણ આટકોટ ભાડલા)અને ન્‍યાય મંદિરમાં અવારનવાર જીસ્‍વાન કનેક્‍ટિવિટી ખોરવાઈ જતી રહે છે. આ અંગે બી.એસ.એન.એલ.ના યોગ્‍ય સત્તાધિકારીઓને રજૂઆત કરતા કનેક્‍ટિવિટી હમણાં મળી જશે એવી બાંહેધરી આપવામાં આવે છે અને કનેક્‍ટિવિટી આવતી નથી, પરિણામે પ્રજાજનોને હાલાકી ભોગવવી પડે છે.  હમણાં જ  બી.એસ.એન.એલ.ના અધિકારીઓને કોર્ટ દ્વારા આ અંગે નોટિસ પણ ફટકારવામાં આવી છે. યોગ્‍ય સત્તાધિકારીઓ જો આ બાબતે પૂરતું ધ્‍યાન આપે તો સરકારની છબી ખંડિત થતી બચાવી શકાય અને સરકારી કચેરીઓમાં લોકોને પડતી મુશ્‍કેલી નિવારી શકાય તેમ છે.

(12:10 pm IST)