Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ખેડૂતના અવસાન બાદ વારસાઇ થતા પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિની રકમ બંધ ન થાય તે માટે નિર્ણય લેવા પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઇ ઉંધાડની માંગણી

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી - કેન્‍દ્રીય નાણા મંત્રી : કેન્‍દ્રીય કૃષિ મંત્રી, મુખ્‍યમંત્રી અને કૃષિમંત્રીને : પત્ર લખી કરાઇ માંગણી : વારસાઇ બાદ રજીસ્‍ટ્રેશન પણ થતુ ના હોય, સહાય મળતી નથી

વડિયા તા. ૫ : કેન્‍દ્ર સરકાર દ્વારા દેશના ખેડૂતોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિના રૂપમાં રૂપિયા ૬૦૦૦ની વાર્ષિક મદદ કરે છે. જેથી ખેડૂતોને ખાતર, બિયારણ અને અન્‍ય કામમા મદદરૂપ થઈ શકે. આ યોજનાથી ખેડૂતો પણ ખુશ છે પરંતુ આ યોજનામાં જે ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ લેતો હોય અને તેનું અવસાન થતા તેના પરિવારના સભ્‍યોની વારસાઈ નોંધ તેમની જમીન માં દાખલ કરવામાં આવે છે ત્‍યારે પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ યોજનાના લાભાર્થી તરીકે તેના પરિવારના સભ્‍યોનું રજીસ્‍ટ્રેશન થતુ ના હોય તેથી વાસ્‍તવમાં સાચા ખાતેદાર ખેડૂતના પરિવારજનો આ યોજનાના લાભથી વંચિત રહી જાય છે. ત્‍યારે આવા કિસ્‍સામાં આ યોજના સાથે જોડાયેલ અધિકારીઓને જરૂરી સૂચના આપી આવા તમામ ખેડૂત ખાતેદારોને આ યોજનાનો લાભ મળે તે માટે ઘટતું કરવા પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઊંધાડ દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી, કેન્‍દ્રીય નાણાં મંત્રી નિર્મલાસીતારમણ, કેન્‍દ્રીય કૃષિ મંત્રી નરેન્‍દ્રસિંહ તોમર, રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલ અને રાજયના કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખી અમરેલી જિલ્લા ના ખેડૂતો એ પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડને કરેલી રજુવાત ઉચ્‍ચ કક્ષા સુધી પહોચાડી છે.

આવી ખેડૂતલક્ષી હિતની રજુઆતો જે નેતા સતત ગ્રામીણ પ્રવાસ કરી લોકો અને ખેડૂતો વચ્‍ચે રહેતા હોય તેના ધ્‍યાને જ આવતી હોય છે તેથી જ પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઊંધાડને લોકનેતા તરીકે લોકો ઓળખે છે.

(11:56 am IST)