Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

જામનગરના આમરા ગામમાં વર્ષોની પરંપરા અનુસાર ભમરીયા કુવામાં રોટલા નાખી વરસાદનો વર્તારો નક્કી કરાય છે

 (મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૫ : જામનગર નજીક ખંભાળિયા હાઇવે પર આવેલા આમરા ગામમાં રોટલાને કૂવામાં નાખીને વર્ષનો વરસાદ કેવો પડશે તેનો વરતારો નક્કી કરવાની આ પરંપરા વર્ષો જૂની હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે. અષાઢ મહિનાના પ્રથમ સોમવારે તમામ ગામલોકો એકઠા થાય છે. પરંપરા મુજબ ગામમાં સતવારા સમાજના ઘર પર રોટલા બનાવવામા આવે છે. ત્‍યાર બાદ વાણંદ સમાજની વ્‍યકિત આ રોટલા લઈ ગામના ભમ્‍મરિયા કૂવા પર પહોંચે છે. આ સમયે ગામના તમામ નાત - જાતના લોકો ઢોલ સાથે ગામમાં ફરીને ભમરિયે કુવે પહોંચે છે. કૂવા પર પહોંચ્‍યા બાદ ગામના ક્ષત્રિય સમાજના યુવાન રોટલો લઈ કૂવામાં પધરાવે છે.

જામનગરના આમરા ગામે પહેલા અષાઢી સોમવારે જ રોટલા થી વરસાદનો વરતારો નક્કી કરવામાં આવ્‍યો છે જેમાં આ વર્ષ સારું જશે તેવો અંદાજ લગાવવામાં આવ્‍યો છે. વર્ષો જૂની પરંપરા મુજબ ભમરીયા કુવામાં રોટલો નાખ્‍યો હતો તે રોટલો ઉગમણી દિશામાં જ ગયો હતો જેને લઇને ગામના વડીલો અને સ્‍થાનિકોએ આ વર્ષ સારૂ થશે તેવો પરંપરા ને આધારે વર્તારો આપ્‍યો હતો.

આમરામાં પરંપરાગત આ વર્તારા ની વિધિ પૂર્વે વેરાઈ માતાના મંદિરની પૂજા કરીને ધવજા ચઢાવાય છે. લોકવાયકા -પ્રમાણે, વર્ષો અગાઉ ખેતરે ભાત લઈને જતી સતવારા સમાજની મહિલાના હાથમાંથી રોટલા ઝૂંટવી લીધા પછી ગામ પર આફત આવી હતી. જે-તે સમયે આ કૂવામાં રોટલા પધરાવ્‍યા બાદ આફત ટળી હતી. ત્‍યારથી આ પરંપરા શરૂ થઈ હોવાનું ગ્રામજનો કહ  રહ્યા છે. જો પૂર્વ અને ઈશાન દિશામાં રોટલો પડે તો સારો વરસાદ થાય અને પヘમિ દિશામાં રોટલો પડે તો ઓછા વરસાદ કે દુષ્‍કાળની સ્‍થિતિનું અનુમાન કરવામાં આવે છે. દર વર્ષે માન્‍યતા સાચી પડતી હોવાની ગામલોકોને શ્રદ્ધા છે. ત્‍યારે આ વર્ષે ઉગમણી દિશામાં રોટલો જવાને લઈને વર્ષના અંતે સારો વરસાદ થશે તેવો આશાવાદ આમરા ગામના ગ્રામજનોએ વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો છે. (તસવીર : કિંજલ કારસરિયા-જામનગર)

(1:22 pm IST)