Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ભાવનગરમાં ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમ આવી પહોંચી

25 જાંબાઝ જવાનોની ટીમ ભાવનગર શહેર કે જિલ્લામાં ભારે વરસાદ કે કોઇપણ ઉભી થયેલી ઈમરજન્સી પરિસ્થિતિમાં રાહત અને બચાવ કામગીરીનો મોરચો સંભાળશે.

(  વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાજ્યના ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સમગ્ર રાજ્યના વિવિધ વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો મોકલવામાં આવી છે. જે અંતર્ગત ભાવનગર શહેરમાં પણ અતિભારે વરસાદ દરમિયાન ઉભી થવાની આપાતકાલિન શક્યતાઓને હેન્ડલ કરવા એક ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
પ્રતિવર્ષ રાજ્યમાં વિવિધ પ્રકારની ઈમરજન્સી પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે એનડીઆરએફ ની ટીમ રાહત અને બચાવ કાર્ય માટે તૈનાત કરવામાં આવે છે. પૂર, વાવાઝોડું અને ભૂકંપ સહિતની પરિસ્થિતિમાં આ ટીમ જાનમાલનુ સારીરીતે રાહત-બચાવ કામગીરી કરે છે. ગતવર્ષે તાઉતે વાવાઝોડા દરમિયાન એનડીઆરએફની ટીમોએ નોંધપાત્ર કામગીરી સૌ કોઈમાં પ્રશંસા પાત્ર બની હતી.ભારે વરસાદ દરમિયાન ઉભી થતી પરિસ્થિતિમાં જાનમાલનુ રક્ષણ અને બચાવ કામગીરી માટે રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા રાજ્યના વિવિધ મહાનગરોમાં એનડીઆરએફની ટીમો મોકલવામાં આવી છે. ત્યારે આજરોજ ભાવનગરમાં પણ એનડીઆરએફની એક ટીમ આવી પહોંચી છે. 25 જાંબાઝ જવાનોની આ ટીમભાવનગર શહેર કે જિલ્લામાં ભારે વરસાદ કે કોઇપણ ઉભી થયેલી ઈમરજન્સી પરિસ્થિતિમાં રાહત અને બચાવ કામગીરીનો મોરચો સંભાળશે.

(6:45 pm IST)