Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

વિજયભાઈની ઉપસ્થિતિમાં કચ્છમાં રાજયકક્ષાના કિસાન સન્માન દિવસની ઉજવણી સાથે વિવિધ કાર્યક્રમો

લાયન્સ હોસ્પિટલની મુલાકાત, કિસાન સન્માન, અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક, ભુજીયા ડુંગરે સ્મૃતિ પાર્કનું નિરીક્ષણ, અંજારમાં કન્યા વિદ્યાલયનું લોકાર્પણ

ભુજ :  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં આવતીકાલ તા.૫ ઓગષ્ટના રોજ, કચ્છ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. રાજય સરકારને સુશાસનના પાંચ વર્ષ નિમિતે વિવિધ પ્રજાહિત-લોક સેવા અને સન્માનના કાર્યક્રમોના ભાગરૂપે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભુજ ખાતે કિસાન સન્માન દિવસનો રાજયકક્ષાનો કાર્યક્રમ યોજાશે. ભુજ ખાતેથી મુખ્યમંત્રીશ્રી કિસાનોનું સન્માનરૂપે કૃષિલક્ષી યોજનાઓના લાભો સહાય અને સાધન સામગ્રીનું વિતરણ કરશે. રાજયના વિવિધ સ્થળોએ યોજાનાર કાર્યક્રમ ખાતે ભુજના કાર્યક્રમનું પ્રસારણ થશે.

  મુખ્યમંત્રીના કચ્છ જિલ્લામાં તા.૫ ઓગષ્ટના કાર્યક્રમો જોઇએ તો સવારે ૧૦.૩૦ કલાકે લાયન્સ હોસ્પિટલ-ભુજની મુલાકાત લેશે ત્યારબાદ ૧૦.૪૫ કલાકે આર.ડી.વરસાણી હાઈસ્કૂલ-ભુજ ખાતે કિસાન સન્માન અને કિસાનોને સહાય વિતરણનો મુખ્ય કાર્યક્રમ યોજાશે અને મુખ્યમંત્રી કિસાન ઉત્કર્ષ અને ખેડૂતલક્ષી સેવાઓનો પ્રારંભ કરાવશે. ૧૨.૩૦ કલાકે કલેકટર કચેરી-ભુજ ખાતે સમીક્ષા બેઠક યોજાશે.
મુખ્યમંત્રીશ્રી બપોરે ૨.૩૦ કલાકે સ્મૃતિવન-ભુજની મુલાકાત લેશે. બપોરે ૪ કલાકે અંજાર તાલુકાના સતાપર ગામે શ્રી ગૌવર્ધન આહિર કન્યા વિધાલય સંકુલનું મુખ્યમંત્રી લોકાર્પણ કરશે.
કચ્છ જિલ્લામાં લોકહિત અને લોકસેવાના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહયા છે ત્યારે આવતીકાલે મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમમાં કિસાનોનો સન્માન અને સહાય વિતરણ થનાર હોઇ જિલ્લાના ખેડૂતોમાં ઉત્સાહ છે. સ્થાનિક જિલ્લા તંત્ર દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંકલન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.

(10:55 am IST)