Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

ભુજમાં દલિત અધિકાર મંચના મોંઘવારી અને નારીરક્ષા મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું

કાર્યકરોએ ઊંટ ગાડી સાથે રેલી કાઢી ‘સસ્તા દારૂ મહેંગા તેલ યે હૈ ભાજપ તેરા ખેલ’ જેવા ઉગ્ર સૂત્રો પોકાર્યાં

ભુજઃ જિલ્લાના પાટનગર ભુજમાં આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા મોંઘવારીના વિરોધમાં ઊંટગાડીથી રેલી સ્વરૂપે નીકળી જ્યુબિલી સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ ઊંટ ગાડી સાથે રેલી કાઢી ‘સસ્તા દારૂ મહેંગા તેલ યે હૈ ભાજપ તેરા ખેલ’ જેવા ઉગ્ર સૂત્રો પોકાર્યાં હતા. પ્રદેશ અગ્રણી નરેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારના રાજમાં મોંઘવારીએ માજા મૂકી છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ નીચા હોવા છતાં પેટ્રોલ-ડિઝલ પર કમ્મરતોડ ટેક્સ વધારીને સરકારે પેટ્રોલ-ડીઝલનો ભાવ સો રૂપિયા પર લાવી દીધો છે. 2014માં રાંધણગેસના સિલિન્ડરનો ભાવ 400 હતો આજે  870 પર પહોંચ્યો છે. અનાજ, તેલ સહિતની તમામ ચીજવસ્તુઓના ભાવ આસમાને આંબી ગયાં છે. અગાઉ સિંગતેલમાં બે રૂપિયા વધતાં તો આ જ ભાજપના કાર્યકરો પાણીમાં પુરીઓ તળવાના તાયફા કરતાં. આજે એક જ વર્ષમાં સિંગતેલના ભાવ અઢી ગણા વધી ગયાં છે. સિંગતેલ તો ઠીક કપાસીયા તેલનો ભાવ સિંગતેલની નજીક પહોંચી ગયો છે. કોઈ મોંઘવારી સામે અવાજ ઉઠાવે તો તેમને રાષ્ટ્રીય સુરક્ષા, કોરોનાની રસી વગેરે પાછળ થતાં ખર્ચાના બહાના આપી જાણે તેઓ દેશદ્રોહી હોય તેવો વર્તાવ કરાય છે. મોંઘવારી હટાવી, કરોડો યુવાનોને રોજગાર આપવા સહિત ‘અચ્છે દિન આયેંગે’ના ગાજર લટકાવી સત્તા પર આવેલી ભાજપ સરકાર કુશાસન અને તમામ ક્ષેત્રે અધોગતિમાં રોજ નવા વિક્રમો સર્જી રહી છે. નોટબંધી ફેલ થાય તો પચાસ દિવસ પછી મને જાહેર ચોકમાં લટકાવી દેજો તેવી વાતો કરનારાં વડાપ્રધાન એ ચોકનું સરનામું જાહેર કરતાં નથી.

(10:50 pm IST)