Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

ધ્રોલના પાણાખાણ વિસ્તારમાં બનતી દુકાનોનું બાંધકામ તોડી પાડવા માંગણી

ધ્રોલ, તા. ૫ :. સરકારી હોસ્પીટલ રોડ પર આવેલી દુકાનોના માલિકોએ આ દુકાનની પાછળ આવેલ પાણાખાણની જમીનો ઉપર દુકાનને લગત વિશાળ બાંધકામ કરીને ગેરકાયદેસર રીતે કબ્જો કરીને ચાલી રહેલી કામગીરી અંગે શહેરમાં અનેકવિધ અટકળો શરૂ થયેલ છે.

આ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે. તેની આગળની દુકાનો ઉપર બાંધકામ કરવાની નગરપાલિકા પાસે પરવાનગી માંગવામાં આવેલ હોવાનું અને આ પરવાનગી ઉપર જ પાછળની જમીન ઉપર પણ બાંધકામ ખડકી દેવામાં આવેલ છે.

આ રીતે કરવામાં આવેલ બાંધકામ અંગે નગરપાલિકાના હોદેદારો સંડોવાયેલ હોવાના તેમજ અંદરોઅંદર કુલડીમાં ગોળ ભાંગીને આ કામગીરી હાથ ધરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.

આ ગેરકાયદેસરનું બાંધકામ, દુકાનોની પાછળ આવેલ પાણાખાણની જમીન ઉપર કરવામાં આવેલ છે તે જમીન સરકારી હોવાનું જાણવા મલેલ છે. તેથી આવી જમીનો ઉપર નગરપાલિકા બાંધકામની મંજુરી જ આપી શકે નહી તેવી સ્થિતિમાં આ લાખો રૂપિયાની કિંમતી જમીન ઉપર કરવામાં આવી રહેલ બાંધકામ અંગે જાગૃત નાગરીકોમાં વિરોધનો સૂર ઉઠવા પામેલ છે. તેમજ નગરપાલિકાના સદસ્યા શૈનાઝબેન રફીકભાઈ ડોસાણીએ ધ્રોલના ચીફ ઓફિસરને લેખીત જાણ કરીને પાણાખાણ વિસ્તારમાં બનતી દુકાનોનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માંગણી કરેલ છે.

ધ્રોલ શહેર ખાતે આ રીતે ગેરકાયદેસર રીતે ચાલી રહેલા બાંધકામની પ્રવૃતિ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તો શહેરમાં પાલિકાની તેમજ સરકારી જમીનો ઉપર દબાણો કરી મસમોટા બીલ્ડીંગો બનાવવામાં આવેલ છે અને હજુ બની રહ્યા છે અને આવા ગેરકાયદે બાંધકામોમાં મનમાની ચાલી રહેલ છે.

(12:48 pm IST)