Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

ગુજરાતની બહેનોને આત્મનિર્ભર બનાવવા રાજ્યની સરકાર કટિબધ્ધ : મુળુભાઇ બેરા

અમરેલી ખાતે પાંચ વર્ષના સુશાસનની ઉજવણી નિમિતે નારી ગૌરવ દિવસ ઉજવાયો : ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેનની પ્રેરક ઉપસ્થિતી : મહાનુભાવોના હસ્તે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના લાભાર્થી બહેનોને સહાયનું વિતરણ કરાયું

(અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી,તા.૫:  મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની વર્તમાન રાજય સરકારના પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થતાં રાજયભરમાં ઉજવાઇ રહેલ 'પાંચ વર્ષ આપણી સરકારના સૌનો સાથ સૌનો વિકાસના'કાર્યક્રમના ત્રીજા દિવસે આજે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત નારી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજે અમરેલીના દિલીપભાઈ સંદ્યાણી સાંસ્કૃતિક હોલ ખાતે ગુજરાત રાજયના ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન શ્રી મુળુભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો.

ચેરમેન શ્રી મુળુભાઈ બેરાએ પ્રાસંગિક ઉદ્દબોધન આપતા જણાવ્યું હતું કે ગુજરાત રાજયની વિજયભાઈ રૂપાણીની સરકારે બહેનોમાં રહેલા કૌશલ્યોનો ઉપયોગ કરી સ્વાવલંબી બને તે હેતુથી અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. ભરત કામ, મોતીકામ, ગૃહ ઉદ્યોગો જેવા વિવિધ નાના મોટા વ્યવસાયોમાં મહિલાઓને સાંકળી ગુજરાતની બહેનોને આત્મનિર્ભર બનાવવા રાજયની સરકાર કટિબદ્ઘ છે. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓના વિકાસ માટે વિશેષ ભાર મૂકી સરકારમાં નવા મહિલા અને બાળ કલ્યાણ વિભાગની શરૂઆત કરવામાં આવી હતી. અને જેના કારણો અત્યંત સારા પરિણામો જોવા મળ્યા છે.

ચેરમેનશ્રીએ ઉમેર્યું હતું કે મહિલાઓ હંમેશા નિર્ણાયક ભૂમિકામાં હોવા જોઈએ. આજે રાજય સરકારની કોઈ પણ કચેરીમાં જઇયે તો મોટાભાગની મહિલાઓ પ્રતિનિધિત્વ કરતી જોવા મળે છે. રાજયની સરકારની કન્યા કેળવણી અને મહિલા અનામત જેવા અભૂતપૂર્વં નિર્ણયોથી મહિલાઓને સમાજમાં વિશેષ સ્થાન મળ્યું છે.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની સરકારે નારી તું નારાયણીના સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે. અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને અમરેલી નગરપાલિકાના પ્રમુખશ્રી બંને મહિલા છે. આમ આ સરકારે નારીને પ્રભુત્વ અને પ્રાધાન્ય આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે.

આ પ્રસંગે ચેરમેનશ્રી સહિત મહાનુભાવોના હસ્તે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ વિવિધ સખી મંડળોની બહેનોને ધિરાણના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીની વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમો એનાયત કરવાં આવ્યા હતા. સ્ટેજ ઉપરથી જ સંકલિત બાળ વિકાસ યોજના હેઠળના ત્રણ આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ૧૦ આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત સૌએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વડોદરા ખાતેનો કાર્યક્રમ નિહાળ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી રેખાબેન મોવલીયા, નગરપાલિકાના પ્રમુખ સુશ્રી મનીષાબેન રામાણી, જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગૂરવ, પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ સુશ્રી ભાવનાબેન ગોંડલીયા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ સુશ્રી અલ્કાબેન ગોંડલીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી સકસેના, પ્રાંત અધિકારી શ્રી સી. કે. ઉંધાડ, આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી સહિતના પદાધિકારીઓ તેમજ વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

(12:50 pm IST)