Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

૩૫ દિ'માં ૮૦૦ કેસ ૨૫ માંથી ૧૪ કેસ ભુજમાં: કોરોનાના હોટસ્પોટ બનતા કચ્છના શહેરો

હોસ્પિટલોમાં વેન્ટિલેટર બેડની કમીઃ વધુ ૩ મોત તંત્ર દ્વારા છુપાવાયા હોવાની ચર્ચા વચ્ચે બિન સત્તાવાર મૃત્યુ આંક ૭૩

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૫: કચ્છમાં નવા ૨૫ કેસ સાથે કોરોનાના દર્દીઓનો આંક હવે ઝડપભેર ઉછળીને ૧૩૮૭ જેટલો મોટો થઈ ગયો છે. છેલ્લા ૩૫ દિ'માં જ લગભગ ૮૦૦ જેટલા કેસ સામે આવ્યા છે.

જેમાં મોટા ભાગે ગાંધીધામ, અંજાર અને ભુજના છે. હમણાં છેલ્લા કેટલાક દિવસોથી ભુજ કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. ગઈકાલે પણ ૨૫ માંથી ભુજના કેસ ૧૪ છે. ભુજમાં ૩૩ જેટલા વિસ્તારમાં કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. જોકે, પોઝિટિવ દર્દીઓના નામ જાહેર ન કરાતાં લોકોમાં ભય વધ્યો છે, તો અજાણ્યે સંપર્કમાં આવનારાઓમાં સંક્રમણનું પ્રમાણ પણ વધ્યું છે. સૌથી મોટો વિવાદ કોરોનાથી કચ્છમાં થયેલા મોતના આંકડાનો છે. તંત્ર દ્વારા જ જાહેર કરાયેલા આકડાઓમાં જ મોતની સંખ્યા ઉંચી હોવા છતાંયે મોતનો આંકડો જિલ્લા સ્તરે લોકોથી છુપાવાઈ રહ્યો છે. અત્યારે સારવાર હેઠળ ૨૩૮ દર્દીઓ છે, જયારે રજા મળી ચુકેલ દર્દીઓની સંખ્યા ૧૦૭૬ છે. જે બન્નેનો સરવાળો ૧૩૧૪ થાય છે. જે કુલ દર્દીઓની સંખ્યા ૧૩૮૭ માંથી બાદ કરીએ તો ૭૩ દર્દીઓ ઓછા થાય છે. આ ૭૩ દર્દીઓના મોત નિપજયા છે. પણ, તંત્ર સતાવાર ચોપડે ૪૫ મોત દર્શાવે છે. ૨૮ જેટલા દર્દીઓના મોત છુપાવાઈ રહ્યા છે. જે ગંભીર વાત છે.

(11:38 am IST)