Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

આજે શિક્ષક દિવસ : પૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ

જૂનાગઢઃ આજે તા. ૫ સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક  દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, હું પહેલા શિક્ષક છુ અને પછી રાષ્ટ્રપ્રમુખ છું.

 

 રાધાકૃષ્ણનનો જન્મ ૫ સપ્ટેમ્બર, ૧૮૮૮ના રોજ તમિલનાડુના તિરુતાનીમાં થયો હતો. બાળપણથી જ રાધાકૃષ્ણન ભણવામાં હોશિયાર હતા. ૧૯૦૬માં મદ્રાસ કોલેજમાંથી તેમણે ફિલોસોફીના વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. તેઓ જયારે વીસ વર્ષના હતા ત્યારે જ તેમણે માસ્ટર ડિગ્રી માટે તૈયાર કરેલા શોધનિબંધથી તેમના પ્રોફેસર ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમનો આ શોધનિબંધ વીસ વર્ષની ઉંમરે પ્રકાશિત થયો હતો. ફિલોસોફીનો વિષય તેમને પસંદ ન હતો, પરંતુ તેમના દૂરના એક ભાઈ કે જે તેમની શાળા અને કોલેજમાં ભણતા હતા એ ફિલોસોફીનાં પુસ્તકો રાધાકૃષ્ણનને આપતા. રાધાકૃષ્ણન સમય પસાર કરવા માટે તે વાંચતા અને આ રીતે ફિલોસોફીમાં તેમનો શોખ કેળવાતો ગયો. ૧૯૦૯માં રાધાકૃષ્ણને ફિલોસોફીના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. કોલેજની નોકરીની સાથે સાથે તેઓ લેખનકાર્ય પણ કરતા. કેટલાંક સાંપ્રત સામયિકોમાં તેઓ ફિલોસોફી પર લેખ લખતા. તેમના સૌથી પહેલા પુસ્તકનું નામ 'ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર'હતું. ૧૯૨૬માં હાર્વર્ડ યુનિર્વિસટી ખાતે તેમણે ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં તેમણે કોલકાત્ત્।ા યુનિર્વિસટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારે તેઓ યુનેસ્કો ખાતે ભારતના પ્રતિનિધિ તરીકે કાર્યરત હતા. જયારે ૧૯૪૯થી ૧૯૫૨ દરમિયાન તેઓ સોવિયેત યુનિયન ખાતે ભારતના રાજદૂત રહ્યા હતા. ૧૯૫૨માં તેમની વરણી ભારતના રાષ્ટ્રપતિ તરીકે કરવામાં આવી હતી. જયારે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે ઉત્સાહ બતાવવામાં આવ્યો હતો.

જોકે રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષકદિન તરીકે ઊજવવાનું સૂચન કર્યું હતું. બસ, ત્યારથી તેમનો જન્મદિવસ ભારતમાં શિક્ષકદિન તરીકે ઊજવવામાં આવે છે. ૧૯૬૨માં તેમણે ભારતના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા અને રાષ્ટ્રપતિ તરીકે પોતાનો પગાર ઘટાડી ૨ હજાર રૂપિયા કરી નાખ્યો. અગાઉ નોંધ્યું તેમ તેમની વિશ્વભરમાં ખ્યાતિ હતી.

પરિણામે અમેરિકા પહોંચ્યા ત્યારે તેમને હેલિકોપ્ટર દ્વારા સીધા જ વ્હાઈટ હાઉસમાં ઊતરવાનું સન્માન મળ્યું. આ રીતે વ્હાઈટ હાઉસમાં પહોંચનારા એ વખતે તેઓ પહેલા પરદેશી હતા. અંતિમ દિવસોમાં તેઓ ઘણું ભૂલી જતાં હતા. તબિયતની પણ ગંભીર સમસ્યાઓ હતી. એ સ્થિતિ વચ્ચે જ તેઓએ ૧૯૭૫ની ૧૭મી એપ્રિલે વહેલી સવારે હંમેશાં માટે વિદાય લીધી.

સંકલનઃ

સચિન જે. પીઠડીયા

એમ.એ. એમ ફીલ-નેટ-જીસેટ-સમાજશાસ્ત્ર

માંગરોળ, જી. જુનાગઢ

(11:47 am IST)