Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

મોરબીના ઘુટુ ગામમાં ભાડાના મકાનમાં રહેતા એક જ પરિવારના 7 સભ્‍યો ગુમઃ પુત્રએ પ્રેમલગ્ન કર્યા બાદ લાપતા થતા પોલીસ ફરિયાદ

મોરબી: પુત્રએ પ્રેમ લગ્ન કર્યા બાદ એક જ પરિવારનાં 7 સભ્યો અચાનક ગુમ થઇ જતા પરિવારજનો ચિંતાજનક સ્થિતીમાં મુકાયા છે. ઘરના પુત્રએ પ્રેમ લગ્ન કર્યા બાદ આખા પરિવારના સભ્યો ગુમ થઇ ગયા હતા. અન્ય પરિવારજનો ચિંતાતુર બન્યા છે, આ મુદ્દે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાનાં ઘૂટું ગામ પાસે હરિઓમ પાર્ક સોસાયટીના ભાડાના મકાનમાં રહેતા એક જ પરિવારનાં સાત સભ્યો ગુમ થયા હોવાની માહિતી મોરબી તાલુકા પોલીસ મથકે દિલીપભાઇ લુહાર દ્વારા જણાવવામાં આવ્યું છે.

ફરિયાદી દિલીપભાઇના અનુસાર, મોરબીના ઘૂંટુ ગામે નજીક રહેતા તેનાં ભાઇ અને પરિવારના લોકો ગુમ થયા છે. જેમાં પુત્રએ પ્રેમ લગ્ન કર્યા બાદ આખો પરિવાર અચાનક ગુમ થઇ થઇ ગયો છે. જેમાં પરિવારનાં શંભુભાઈ વશરામભાઈ લુહાર (ઉ.વ.૫૫), રેખાબેન શંભુભાઈ લુહાર (ઉ.વ.૫૦), કમલેશ શંભુભાઈ લુહાર (ઉ.વ.૨૬) લખીબેન વશરામભાઈ લુહાર (ઉ.વ.૭૦), ધાર્મિષ્ઠાબેન શંભુભાઈ લુહાર (ઉ.વ.૧૭), આનંદીબેન શંભુભાઈ લુહાર (ઉ.વ.૧૩) અને હસીબેન દેવશીભાઈ લુહાર (ઉ.વ.૨૧) તેમ એક જ પરિવારનાં વૃદ્ધ માતા પિતા, ભાઇ બહેન અને પુત્રવધુ સહિત આખો પરિવાર ગુમ થતા ચકચાર મચી છે.

પોલીસે આ મુદ્દે ફરિયાદ દાખલ કરીને સભ્યોની શોધવા માટે તપાસ આદરી છે. ઉપરાંત લુહાર પરિવાર અંગે કોઇને પણ માહિતી મળે તો તત્કાલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટે જણાવાયું છે. પરિવારમાં પુત્રને પ્રેમલગ્ન કર્યા બાદ પરિવાર ગુમ થતો પરિવારમાં ચિંતા જોવા મળી રહી છે. તેમનાં મનમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. પરિવાર ગુમ થવા પાછળ શું પ્રેમ લગ્ન જવાબદાર છે વગેરે જેવા સવાલો ઉઠી રહ્યા છે.

(4:30 pm IST)