Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

વિસાવદરના ધારાસભ્યપદેથી રાજીનામુ ધરી દેનાર હર્ષદ રિબડીયા કમલમ્ માં કેસરીયા કરશે કે, 11મીએ મોદીના હસ્તે ખેસ પહેરશે..? અવનવા તર્કવિતર્ક : કોંગ્રેસ દિશાવિહીન, ચૂંટણી ગુજરાતમાં અને પદયાત્રા દક્ષિણમાં કાઢી : હર્ષદ રીબડીયા

પુત્રના લગ્ન વખતથી શરૂ થયેલી રાજકીય અટકળો આખરે સાચી સાબીત થઈ : વિસાવદર-ભેસાણ વિધાનસભા ક્ષેત્રના જિ.પં.- તા.પં.- ગ્રા.પં.- ન.પા.- યાર્ડ - સહકારી સંઘ સહિત વિવિધ ક્ષેત્રના ધુરંધરોના જબરા સમુહને એકસામટા કેસરીયા કરાવવાની રિબડીયાની નેમ : જબરી રાજકીય દોડધામ : પ્રતિષ્ઠાભર્યો ચૂંટણી જંગ નિશ્ચિત

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.5 : વિસાવદર-ભેસાણ વિધાનસભા મતક્ષેત્રનુ સતત બબ્બે વખત કોંગ્રેસના કદાવર ધારાસભ્ય તરીકેનુ પ્રતિનિધિત્વ કરનાર લેઉઆ પટેલ-પાટીદાર સમાજના ખેડૂત નેતા તરીકે સમગ્ર ગુજરાતમા જબરી ઓળખ ઉભી કરનાર શ્રી હર્ષદભાઈ માધવજીભાઇ રિબડીયાએ દશેરાની પૂર્વ સંધ્યાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડો.નિમાબેન આચાર્યના નિવાસસ્થાને રૂબરૂ જઈ ધારાસભ્ય તરીકેનુ રાજીનામુ રાજીખુશીથી સુપ્રત કરતા અધ્યક્ષાએ રાજીનામુ સ્વીકાર કરી મંજુર કર્યુ હતુ.

હવે ધારાસભ્ય પદ ત્યાગી દેનાર હર્ષદ રિબડીયા કમલમ્ મા કેસરિયા કરે છે કે, 11મીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ  મોદી ગુજરાતની મુલાકાત આવી રહ્યા હોય,તેમના હસ્તે ખેસ પહેરે છે તે અંગે અવનવા તર્કવિતર્ક થઈ રહ્યા છે.

હર્ષદભાઈ રિબડીયા કેસરિયો ધારણ કરે તો તેમની સાથે વિસાવદર-ભેસાણ વિધાનસભા મતક્ષેત્રના જિલ્લા પંચાયત- તાલુકા પંચાયત- ગ્રામ પંચાયત- નગર પાલિકા- માર્કેટ યાર્ડ- સહકારી સંઘ સહિતના વિવિધ ક્ષેત્રના ધુરંધરોના સમુહને એકસામટા કેસરિયો કરાવવાની રિબડીયાની નેમ છે.

સુત્રો દ્વારા જાણવા મળતી વિગતો મુજબ હર્ષદભાઈ રિબડીયા વિસાવદર-ભેસાણ વિધાનસભા મતક્ષેત્રના જાહેર જીવનના આગેવાનોનો ગઇકાલથી સતત સંપર્ક કરી વિશ્વાસમા લઈ કેસરિયા કરવા માટે જોરદાર પ્રયાસો કરી રહ્યા છે ત્યારે હર્ષદભાઈ સાથે કોંગ્રેસ છોડી કોણ કોણ જશે..? એ તરફ પણ સૌની મીટ મંડાઈ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે,હર્ષદભાઈ રિબડીયાના સુપુત્રના શુભ લગ્ન વખતે પ્રધાનો-મંત્રીઓ-ભાજપના પ્રદેશ કક્ષાના ધુરંધર નેતાઓની હાજરી તથા રાષ્ટ્રપતિની ચૂટણીમા ક્રોસવોટીંગની ઘટનાને લઈ રિબડીયા કોંગ્રેસ છોડી ભાજપમા જઈ રહ્યાની હવાએ જોર પકડેલુ..ત્યારબાદ હમણા જ નવરાત્રીમા ભાજપના પૂર્વ પ્રધાન ભાલાળા સાથે રિબડીયાએ ગરબે રમતા વધુ એક વખત ચર્ચાઓ ઉઠેલી પરંતુ રિબડીયાએ આવી વાતોને વાહયાત ગણાવી ખંડન કર્યુ હતુ.જો કે,આખરે ગઈકાલે દશેરાના પૂર્વ સંધ્યાએ જ રિબડીયાએ ધારાસભ્ય તરીકેનુ રાજીનામુ ધરી દેતા સમાચાર માધ્યમોમા સુત્રોના હવાલાથી છેલ્લા કેટલાયે વખતથી ગાજતા સમાચાર સાચા સાબિત થયા હતા.

દરમિયાન વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઇ વાડદોરીયાએ જણાવેલ કે,આમા કોઈ જ આશ્ચર્યજનક ઘટના નથી,ધારણા પ્રમાણેની જ સ્થિતિ આકાર પામી છે,છેલ્લા છ આઠ મહિનાથી આ વાત વ્યાપક પ્રમાણમા સમગ્ર વિધાનસભા મતક્ષેત્રમા સૌની જાણમા હતી..કોંગ્રેસ એક વિચારધારા છે..કોંગ્રેસના મતદારો જ કાર્યકરો-આગેવાનો છે,જેથી કોઇના જવાથી કોંગ્રેસને કોઈ જ ફરક પડવાનો નથી..કોંગ્રેસમા ગામડે ગામડે સ્વયંભૂ ઉત્સાહ છે અને વિસાવદર-ભેસાણની બેઠક પર પાર્ટી કોઈ પણને ટિકિટ આપે વિજય નિશ્ચિત કોંગ્રેસનો જ થશે તેવો જબરો આત્મવિશ્વાસ વાડદોરીયાએ વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનિય છે કે,હર્ષદભાઈ રિબડીયા કોંગ્રેસ પક્ષના આ વિસ્તારના સતત બબ્બે વખત ધારાસભ્ય તથા પ્રદેશ કોંગ્રેસ કિશાન મોરચાના અધ્યક્ષ તથા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે જેથી આ જવાબદારીના ફરજના ભાગરૂપે વિવિધ પ્રશ્ને સતત ભાજપ અને ભાજપ સરકાર સામે જ લડ્યા છે,હવે જયારે ભાજપ પાર્ટીમાજ જોડાઈ અને ભાજપની ટીકીટ પર કોંગ્રેસ સામે ચૂટણી લડવાનુ થશે ત્યારે આ બેઠક પરનો ચૂટણી જંગ રસપ્રદ અને પ્રતિષ્ઠાભર્યો બની રહેશે એ નિશ્ચિત છે.

(10:47 am IST)