Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

કચ્છમાં આરટીઆઈ કાર્યકર્તાના પુત્રની હત્યા: પિતા પુત્ર ઉપર કાર ચડાવી કચડી નાખ્યા, પિતા ગંભીર

ખનિજ ચોરી અને પવનચક્કી અંગે રજૂઆત કરનાર જાગૃત નાગરિકની એક્ટિવા ઉપર ફોર્ચ્યુંનર ગાડી ચડાવી દીધી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૫

કચ્છના લખપત તા.ના દયાપર ગામે આરટીઆઈ કાર્યકર્તા રમેશ અરજણ બળીયા અને તેમના પુત્ર નરેન્દ્ર ને કચડી નાખવાના પ્રયાસે જિલ્લામાં ચકચાર સર્જી છે. ગઇકાલે દયાપર આવેલા રમેશભાઈ તેમના પુત્ર નરેન્દ્ર સાથે એક્ટિવા ઉપર પોતાને ગામ મેઘપર જઈ રહ્યા હતા ત્યારે નવલસિંહ કારુભા જાડેજાએ પોતાની ફોર્ચ્યુનર ગાડી તેમના ઉપર ચડાવી કચડી નાખતા પિતા પુત્ર પૈકી પુત્ર નરેન્દ્ર નું મોત થયું હતું જ્યારે પિતા રમેશભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. રમેશભાઈ બળીયા આરટીઆઇ કાર્યકર્તા તરીકે ખનિજ ચોરી સામે સતત ઝુંબેશ ચલાવતા હતા આ ઉપરાંત પવનચક્કી દ્વારા કરાતા દબાણ સામે પણ રજૂઆતો કરતાં રહેતા હતા. આરોપી નવલસિંહ કારૂભા જાડેજા દ્વારા જુણાચાય ગામ ની નદીમાંથી રેતી નું ગેરકાયદે ખનન કરાતા તે અંગે ફરિયાદો અને રજૂઆતો હોઈ એ મનદુખ રાખી આ બનાવને અંજામ અપાયો હતો. દરમ્યાન કચ્છ દલિત અધિકાર મંચ દ્વારા આ બનાવ બાદ આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો વિરોધ કરાયો હતો. જોકે, નખત્રાણા ડીવાયએસપી આર.ડી. જાડેજા અને નરા પીએસઆઈ સામતભાઈ મહેશ્વરીએ આરોપીની અટક થઈ ગઇ હોવાનું કહેતા મામલો શાંત પડ્યો હતો.

(10:12 am IST)