Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

ઝાલાવડમાં ત્રણ અકસ્‍માત

લખતરના ગેથળા હનુમાન પાસે કેટરર્સની કાર પલટી ખાઈ જતા બે મહિલાને ઈજાઃ ધ્રાંગધ્રાના કોંઢ રોડ પર આચાર્યની કારને અકસ્‍માતમાં બે વ્‍યક્‍તિને ઈજા : દેદાદરા પાસે કાર અને ટ્રક વચ્‍ચેના અકસ્‍માતમાં બગોદરાના દંપતીને ઈજા પહોંચી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૬ : લખતર-વિરમગામ હાઈવે પર રાતના સમયે એક કલાકના જ અરસામાં અકસ્‍માતના ૨ બનાવ બન્‍યા હતા. જેમાં ૩ વ્‍યકતીઓને ઈજા પહોંચી છે. જેમાં અમદાવાદથી કેટરીંગનો માલસામાન અને મજુરો સાથે સુરેન્‍દ્રનગર તરફ જતી બોલેરો પીકઅપ કારનો જોઈન્‍ટ લખતર અને કડુ વચ્‍ચે ગેથળા હનુમાન મંદીર પાસે નીકળી જતા કાર રસ્‍તાની સાઈડમાં આવેલા ખેતરમાં ઉતરી પલટી મારી ગઈ હતી. આ બનાવમાં ૬૦ વર્ષીય માલીબેન બચુભાઈ અને ૩૫ વર્ષીય જાગીબેન દિનેશભાઈને ઈજાઓ પહોંચી હતી. આથી ૧૦૮ની ટીમ દ્વારા તેઓને સારવાર માટે લખતર સરકારી દવાખાને લઈ જવાયા હતા. જયારે ઓળક પાસે એકટીવા લઈને પસાર થતા ૪૨ વર્ષીય જીતુભાઈ લાભુભાઈનું એકટીવા સ્‍લીપ થઈ જતા તેઓને ૧૦૮ના પાયલોટ જયપાલસીંહ રાણા અને ઈએમટી -દીપ બાંભણીયા દ્વારા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા.

 ધ્રાંગધ્રાના નરશીપરામાં રહેતા ૪૩ વર્ષીય રસીકભાઈ શંકરભાઈ પરમાર કોંઢ કન્‍યાશાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. ગત તા. ૨૬મી જાન્‍યુઆરીના રોજ તેઓ શિક્ષક કીશોરભાઈ સાધુ અને મહેન્‍દ્રભાઈ ચૌહાણ સાથે ધ્રાંગધ્રાથી કોંઢ જતા હતા. ત્‍યારે ફાર્મવાળા મેલડી માતાના મંદીર પાસે સામેથી એક કાર ચાલક મુળી તાલુકાના સરા ગામે રહેતા ધવલ રાજાભાઈ વરમોરાએ રસીકભાઈની કાર સાથે અકસ્‍માત કર્યો હતો. જેમાં રસીકભાઈ અને કીશોરભાઈને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્‍પીટલ લઈ જવાયા હતા.

લીંબડી તાલુકાના પાણશીણા ગામે રહેતા ૫૨ વર્ષીય સજનબા હરીસંગભાઈ રાઠોડને કાનમાં દુઃખાવાની તકલીફ હોઈ સારવાર માટે તા. ૧ લીના રોજ સુરેન્‍દ્રનગર આવ્‍યા હતા. બપોરના સમયે બસ સ્‍ટેશન સામે તેઓ રસ્‍તો ક્રોસ કરતા હતા ત્‍યારે એક અજાણ્‍યા બાઈક ચાલકે તેમની સાથે અકસ્‍માત કરતા સજનબાને સારવાર માટે સી.જે.હોસ્‍પીટલ લઈ જવાયા હતા. બનાવની બી ડીવીઝન પોલીસ મથકે અજાણ્‍યા બાઈક ચાલક સામે ફરીયાદ નોંધાઈ છે.

 જયારે ધ્રાંગધ્રામાં રહેતા હનીફ તારભાઈ મન્‍સુરી અતુલ રીક્ષા લઈને હળવદ તરફ જતા હતા. ત્‍યારે ચુલી પાસે એક અજાણ્‍યા બલેનો કારના ચાલકે અકસ્‍માત કર્યો હતો. જેમાં રિક્ષામાં ગટરમાં ખાબકી હતી અને હનીફ મન્‍સુરીને ઈજાઓ પહોંચી હતી. આ ઉપરાંત સુરેન્‍દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલીકામાં સફાઈકામદાર તરીકે કામ કરતા અને રાધે ટેનામેન્‍ટમાં રહેતા ૩૬ વર્ષીય વિપુલ કવાભાઈ મકવાણા તા. ૦૧ના રોજ બાઈક લઈને ઘેર જતા હતા. ત્‍યારે જવાહર ગ્રાઉન્‍ડ પાસે રતનપરના કેતનભાઈ પરમારે ગફલતભરી રીતે કાર ચલાવી અકસ્‍માત કરતા વિપુલ મકવાણાને સારવાર માટે દવાખાને લઈ જવાયો હતો. બનાવની એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાતા વધુ તપાસ આર.એમ.સોલંકી ચલાવી રહ્યા છે. બીજી તરફ બાવળા તાલુકાના બગોદરામાં રહેતા હંસાબેન ગંભુભાઈ ચૌહાણે વઢવાણ પોલીસ મથકે નોંધાવેલી ફરીયાદમાં જણાવાયા મુજબ તા. ૨૯મી જાન્‍યુઆરીના રોજ તેઓ પતિ ગંભુભાઈ સાથે લખતર તાલુકાના ઝમર ગયા હતા. જયાંથી તા. ૨૯મીના રોજ સવારે બગોદરા પરત ફરતા સમયે દેદાદરા પાસે ટ્રક ચાલકે તેમની આઈટેન કાર સાથે અકસ્‍માત કરતા હંસાબેન અને ગંભુભાઈને ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. બનાવની વઢવાણ પોલીસ મથકે અજાણ્‍યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એ.વી.દવે ચલાવી રહ્યા છે.

(11:45 am IST)