Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

૩૧.૨૪ મિનિટના સમય સાથે સિનિયર બહેનોમાં ઉત્તર પ્રદેશની તામસી સિંઘ પ્રથમ ૫૬.૫૮ મિનિટના સમય સાથે સિનિયર ભાઈઓમાં જૂનાગઢનો પરમાર લાલા પ્રથમ

૧૫ મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્‍પર્ધા-૨૦૨૩માં : ૩૮.૫૨ મિનિટના સમય સાથે જુનિયર બહેનોમાં ઉત્તર પ્રદેશની રંજના યાદવ પ્રથમઃ ૧ કલાક ૩૧ સેકન્‍ડ ના સમય સાથે જુનિયર ભાઈઓમાં હરિયાણાનો સાગરભાઈ પ્રથમ : ગિરનારને સર કરવા ૫૪૫ સ્‍પર્ધકોએ દોટ મૂકી હતી

 (વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા.૬: જોમ અને જુસ્‍સા સાથે રાજ્‍યના સૌથી ઊંચા પર્વત ગિરનાર ને સર કરવા  આજે  ૫૪૫ સ્‍પર્ધકોએ દોટ મૂકી હતી. ૧૫ મી અખિલ ભારત ગિરનાર આરોહણ સ્‍પર્ધામાં ૧૩ રાજયોના ૬૩૮ સ્‍પર્ધકો નોંધાયા હતા.

સ્‍પર્ધામાં સિનિયર બહેનોમાં ૩૧.૨૪ મિનિટનો સમય સાથે ઉત્તર પ્રદેશની તામસી સિંઘે મેદાન માર્યું હતું. સિનિયર ભાઈઓમાં ગુજરાતના પરમાર લાલાએ ૫૬.૫૮ મિનિટના, જુનિયર બહેનોમાં ૩૮.૫૨ મિનિટના સમય સાથે ઉત્તર પ્રદેશની રંજના યાદવ, જુનિયર ભાઈઓમાં ૧ કલાક ૩૧ સેકન્‍ડ ના સમય સાથે હરિયાણા ના સાગરભાઇએ પ્રથમ  ક્રમ હાસિલ કર્યો હતો.

યુવક સેવા સાંસ્‍કળતિક વિભાગ અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત અખિલ ભારત ગિરનાર આરોહણ સ્‍પર્ધા સવારે ૬-૪૫ કલાકે ભાઈઓના પ્રથમ ચરણની સ્‍પર્ધાનો આરંભ મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્‍ય શ્રી સંજયભાઈ કોરડીયા, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા સહિતના મહાનુભવોએ ફ્‌લેગ ઓફ કરી પ્રારંભ કરાવ્‍યો હતો. ત્‍યાર પછી બહેનોની સ્‍પર્ધાનો પ્રારંભ થયો હતો.

કાર્યક્રમના અધ્‍યક્ષ મેયર શ્રીમતી ગીતાબેન પરમારે  ૧૫ મી ગિરનાર આરોહણ અવરોહણ સ્‍પર્ધામાં વિજેતા થયેલ અને ભાગ લેનાર દરેક સ્‍પર્ધકોને શુભેચ્‍છા પાઠવી હતી અને ગિરનારને સર કરવાની ખૂબ જ કઠિન ગણાતી આ સ્‍પર્ધામાં સ્‍પર્ધકોના  જોમ અને  જુસ્‍સાને બીરદાવયો હતો.  

આ સ્‍પર્ધામાં અન્‍ય વિજેતાઓમાં સિનિયર ગર્લ્‍સમાં બીજા ક્રમે સિંધુ રીતુરાજ, તળતીય ક્રમે અનિતા રાજપુત રહી છે. જ્‍યારે સિનિયર બોયઝ માં દ્વિતીય ક્રમે રાહુલભાઈ, તળતીય ક્રમે રામનિવાસ રહ્યા હતા.

 જુનિયર ગર્લ્‍સમાં દ્વિતીય ક્રમે કથેચીયા અસ્‍મિતા, તળતીય ક્રમે બંધના યાદવ રહી હતી. જુનિયર બોયઝમાં બીજા ક્રમે મોહમ્‍મદ શાહીદ, તળતીય ક્રમે રાહુલભાઈ રહ્યા હતા.

મંગલનાથ આશ્રમ ભવનાથ ખાતે યોજાયેલી ઈનામ વિતરણ સમારોહમાં મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, ધારાસભ્‍ય શ્રી સંજયભાઈ કોરડીયા, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા,   કોર્પોરેટર શ્રી શારદાબેન પુરોહિત, આધ્‍યા શક્‍તિબેન મજમુદાર, અગ્રણી શ્રી પ્રદીપભાઈ ખીમાણી, શ્રી યોગીભાઈ પઢીયાર, પ્રાંત અધિકારી શ્રી ભૂમિબેન કેશવાલા સહિતના પદાધિકારીઓ અધિકારીઓના હસ્‍તે પુરસ્‍કાર પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવ્‍યા હતા.

 ગિરનાર સ્‍પર્ધામાં વિજેતા સ્‍પર્ધકોને રાજ્‍ય સરકાર તરફથી   પ્રથમ થી દસ ક્રમાંક સુધી આવનાર ને ચારેય કેટેગરીના સ્‍પર્ધકોને કુલ રૂ. ૫,૫૦ લાખની પ્રોત્‍સાહક રાશી અર્પણ કરવામાં આવી હતી.જેમાં પ્રથમ ક્રમે આવનારને રૂ.૫૦ હજાર, બીજા ક્રમે આવનારન રૂ.૨૫ હજાર, તળતીય ક્રમે આવનાર ને રૂ ૧૫ હજાર આપવામાં આવે છે. જ્‍યારે મહાનગરપાલિકા દ્રારા કુલ રૂ.૫૨,૪૦૦ રોકડ પુરસ્‍કાર, ટ્રોફી   આપવામાં આવે છે.

તેમજ ગિરનાર સ્‍પોર્ટ્‍સ એકેડેમી  સાગરભાઈ  કટારિયા જૂનાગઢ  દ્વારા    વિભાગના ટોપ ૧૦ સ્‍પધકોને વોટર બોટલ,  સંદીપભાઈ તથા જિજ્ઞાસાબેન વસાવડા તરફથી  પ્રથમ ૪ વિજેતા સ્‍પર્ધકને રૂ.૧૦૦૦, ડોળી એસોસીએશન પ્રથમ ૪ વિજેતા સ્‍પર્ધકને દ્વારા રૂ.૨૫૦ ના કેસ પ્રાઇસ આપવામાં આવ્‍યા હતા.

સમારોહમાં સ્‍વાગત પ્રવચન જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી એન.ડી. વાળાએ કર્યું હતું. આભાર વિધિ પ્રાંત યુવા અધિકારી શ્રી ઉપેન્‍દ્ર રાઠોડે કરી હતી.રમત ગમતમાં દીકરીઓને પ્રોત્‍સાહન આપવાની આગવી શૈલી રજૂ કરી હારુન વિહળે  સ્‍પર્ધાનું સુંદર સંચાલન કર્યું હતું.

સ્‍પર્ધામાં ગુજરાત હરિયાણા અને ઉત્તર પ્રદેશ રાજ્‍યના સ્‍પર્ધકોનો દબદબો

૧૫ મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્‍પર્ધામાં  સિનિયર બહેનો ભાઈઓ અને જુનિયર બહેનો ભાઈઓમાં પ્રથમ ૪૦ વિજેતા સ્‍પર્ધકોમાં ગુજરાત, હરિયાણા, ઉત્તર પ્રદેશ રાજ્‍યના સ્‍પર્ધકોનો દબદબો રહ્યો હતો. જેમાં ગુજરાત રાજ્‍યમાંથી ૧૭ સ્‍પર્ધકો, હરિયાણાના રાજ્‍યના ૧૫ સ્‍પર્ધકો અને ઉત્તર પ્રદેશ રાજ્‍યના ૮ સ્‍પર્ધકો વિજેતા રહ્યા હતા.

 હાથમાં ફ્રેક્‍ચર થયું.... પણ  ગિરનાર સર કરવા જુસ્‍સો અડીખમ

ઉનાના સિલોજ ગામનો હરેશ ભાલીયા છેલ્લા ત્રણેક વર્ષથી ગિરનાર આરોહણ- અવરોહણ સ્‍પર્ધામાં ભાગ લે છે. અને ટોપ-૧૦ નંબરમાં સ્‍થાન પણ પ્રાપ્ત કરે છે. આ વખતે હરેશ પ્રેક્‍ટિસ દરમિયાન પડી જવાથી હાથમાં ફ્રેક્‍ચર થયું હતું તેમ છતાં હરેશનો ગરવા ગિરનારને સર કરવાનો જુસ્‍સો ઓસર્યો ન હતો.

 હરેશ ગરવા ગિરનારને સર કરવા માટે છેલ્લા દશેક દિવસથી ગિરનાર ખાતે પ્રેક્‍ટિસ કરી રહ્યો હતો. હરેશ અભ્‍યાસ કરવાની સાથે સ્‍પોર્ટ્‍સમાં આગળ વધવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે.

એક સમયે એક ભિક્ષાવળત્તિ કરી.... પણ હવે ઈડરિયો ગઢ સર કરી, ગરવો ગિરનાર પણ સર કર્યો

 અંબાજી-કુંભારીયા વિસ્‍તારમાં એક સમયે ભિક્ષાવળત્તિ રહેલા બાળકોને ફરી સમાજની મુખ્‍ય ધારામાં જોડવામાં આવ્‍યા છે. આજે આ બાળકો અતીતને ભુલાવી નવા આયામો પ્રાપ્ત કરી રહ્યા છે.

   અંબાજી ખાતેની શ્રી શક્‍તિ સેવા કેન્‍દ્ર દ્વારા ભિક્ષાવળત્તિ કરી રહેલા બાળકોને સર્વાંગી વિકાસ માટે આગળ આવી, તેમને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે હોસ્‍ટેલ સહિતની સવલતો આપી. તેના પરિણામે આજે આ બાળકો જુદી- જુદી સ્‍પર્ધામાં આગળ વધી રહ્યા છે. આ વિદ્યાર્થીઓએ ઇડરિયા ગઢની સ્‍પર્ધામાં બાજી માર્યા બાદ, પાંચ વિદ્યાર્થીઓએ અખિલ ભારતીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્‍પર્ધામાં ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ વિદ્યાર્થીઓએ કેવડિયા ખાતેની એકતા પરેડમાં પણ ભાગ લીધો હતો અને બેન્‍ડમાં ચેમ્‍પિયન બન્‍યા હતા તેમ શિક્ષક ઇરફાન કુરેશીએ જણાવ્‍યું હતું. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)

(1:47 pm IST)