Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

વાંકાનેરના રાજવી ડો. દિગ્વીજયસિંહજી ઝાલાના નિધનથી રાજ પરિવારમાં શોકઃ અડધી કાઠીએ ધ્વજ ફરકયો

પ્રધાનમંત્રી-મુખ્યમંત્રીઓ અને જુદા જુદા રાજ્યના ટોચના નેતાઓ દ્વારા શોક સંદેશા પાઠવાયા

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા. ૬ :. પ્રજા વત્સલ્ય રાજવી અને કેન્દ્રના પ્રથમ પર્યાવરણ મંત્રી એવા ડો. દિગ્વીજયસિંહજી પ્રતાપસિંહજી ઝાલાનું બે દિવસ પહેલા ૮૯ વર્ષનું આયુષ ભોગવી નિધન થતા માત્ર વાંકાનેર જ નહી દેશના વડાપ્રધાન-મુખ્યમંત્રીઓ અને જુદા જુદા રાજ્યના રાજકીય અગ્રણીઓ તથા રાજવી પરિવારો દ્વારા વાંકાનેર સ્ટેટના શ્રી કેશરીદેવસિંહજી દિગ્વીજયસિંહજી ઝાલા સમક્ષ શોક વ્યકત કરી ડો. દિગ્વીજયસિંહજી ઝાલાના પર્યાવરણ પ્રત્યેના કાર્યોને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવી શ્રધ્ધાંજલિ અપાય છે.

શ્રી દિગ્વીજયસિંહજી ઝાલાના નિધનથી રાજ પરિવારમાં શોક છવાયો છે અને રાજ પેલેસના પટાંગણમાં લાગતો ધ્વજ પણ પૂ. બાપુ સાહેબના નિધનને લઈ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે. રાજ પરિવારમાં જ્યાં સુધી શોક છવાયેલો રહે છે ત્યાં સુધી ધ્વજ અડધી કાઠીએ ફરકશે બાદમાં નિયમ અનુસાર ધ્વજ ટોચ સુધી ફરકાવવામાં આવશે.

વાંકાનેરના રણજીત વિલાસ પેલેસ ખાતે દરરોજ ક્ષત્રીય સમાજના અગ્રણીઓ ઉપરાંત જુદી જુદી જ્ઞાતિ અને સંસ્થાના અગ્રણીઓ પધારી રહ્યા છે અને પૂ. બાપુ સાહેબની તસ્વીર સમક્ષ ભાવ વંદના પ્રગટ કરી રહ્યા છે.

(10:48 am IST)