Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ગોંડલના દેરડી (કુંભાજી) આયુષ્યમાન ભારત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફની કોરોના વેકિસનની શ્રેષ્ઠ કામગીરી

(નરેશ શેખલીયા દ્વારા) ગોંડલ તા. ૬ : કોરોના વાયરસની મહામારીને નાથવા સરકાર દ્વારા લોકોને કોરાના વેકસીન આપવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ગોંડલ તાલુકાના દેરડી(કુંભાજી) ગામે કોરોના વેકસિનના રસીકરણને આરોગ્ય વિભાગના સ્ટાફે ખરા અર્થમાં સાર્થક કરેલ છે.

દેરડી(કુંભાજી) ગામે આયુષ્યમાન ભારત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કોરોના વેકસિનની રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે આરોગ્ય કેન્દ્રના ડો.પૂનમબેન મેરજા, ડો.ગોવિંદ હાથગરડા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફે ગોંડલ તાલુકામાં નમૂનેદાર કોવિડ રસીકરણની કામગીરી હાથ ધરી છે.

દેરડી(કુંભાજી) ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા રજાના દિવસોમાં પણ રસીકરણ ઝુંબેશ શરૂ રાખીને ૪૫ વર્ષથી ઉપરના ૧૦૭૬ લોકોને કોરોના વેકસિન આપવામાં આવી છે. જયારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના રાણસીકી, વિંઝીવડ, નાના સગપર, મોટા સુપર, કેશવાળા, મેતા ખંભાળીયા અને મોટી ખિલોરી સહિતના ગામોમાં ૧૬૮૭ લોકોને કોરોના વેકસિન આપવામાં આવી હતી.આ સાથે જ દેરડી(કુંભાજી) ગામે આયુષ્યમાન ભારત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા ઘરે ઘરે જઇને લોકજાગૃતિના અભિયાનની સાથે કુલ ૨૭૬૩ લોકોને કોરોના વેકસિનનો લાભ આપવામાં આવ્યો છે. તે ખરેખર પ્રસન્નતા પાત્ર છે.

(10:51 am IST)