Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

મોરબી નજીક ટ્રક ચાલક રસ્તો પુછવા નીચે ઉતરતાં બીજા ટ્રકની ઠોકરે મોત

મહારાષ્ટ્ર નાંદેડના દિપકભાઇએ રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ મોરબીથી માળીયા લાદી ભરવા જતી વખતે બનાવ

રાજકોટ તા. ૬: મોરબી નજીક પોતાના ટ્રકમાંથી નીચે ઉતરી રસ્તો પુછવા માટે રોડ ક્રોસ કરીને સામેની તરફ જઇ રહેલા મહારાષ્ટ્રના નાંદેડના શેરશાહપુરના ટ્રક ડ્રાઇવર પ્રોૈઢનું બીજા ટ્રકની ઠોકરે ચડી જતાં મોત નિપજ્યું છે.

મુળ મહારાષ્ટ્રા દિપકભાઇ મુંજાજી અકમર (ઉ.વ.૫૩) તથા શિવરાજ ચંદ્રકાંતભાઇ સાંજે મોરબીથી ટ્રક લઇ માળીયા લાદી ભરવા જવા નીકળ્યા હતાં. દરમિયાન મોરબી નજીક અમદાવાદ હાઇવે પર પેટ્રોલ પંપ પાસે દિપકભાઇ માળીયાનો રસ્તો પુછવા માટે પોતાનો ટ્રક ઉભો રાખી  સામેની સાઇડમાં પગપાળા જતાં હતાં ત્યારે બીજો ટ્રક નીકળતાં તેની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થઇ હતી.

અકસ્માતને પગલે દેકારો થતાં દિપકભાઇ સાથેનો શિવરાજ ટ્રકમાં સુતો હોઇ તે જાગી ગયો હતો. તેણે દિપકભાઇને મોરબી હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન વહેલી સવારે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.

(11:40 am IST)