Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

પશુઓની સારવાર માટે ૧૯૬૨ હેલ્પલાઇન કાર્યરતઃ કુંવરજીભાઇ

જિલ્લાકક્ષાએ ૩૭ કરૂણાવાન ચાલુ, ૧૦ ગામ દીઠ એક પશુ મોબાઇલ વાન, ૪૬૦માંથી ૫૦ વાન ટુંક સમયમાં શરૂ થશે

રાજકોટઃ૬, રાજય સરકાર પશુઓની સારવાર તેમજ તેમના પ્રત્યે કરૂણા દાખવી પશુ પંખીઓની પણ ખેવના કરી રહી છે તેમ જણાવીને પાણી પુરવઠા અને પશુપાલન મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જસદણ ખાતે પશુ સારવાર માટેના આધુનિક સુવિધાસભર એનીમલ હસ્બન્ડરી સેન્ટર સહિત પશુચિકિત્સાના રૂ.૧.૭૫ કરોડના કામોનું ખાતમુહુર્ત કર્યું હતુ.

મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જસદણ ખાતે રૂ. ૫૦ લાખના ખર્ચે બનનાર પ્રાયમરી એનીમલ હસ્બન્ડરી સેન્ટર તેમજ રૂ.૧.૧૦ કરોડના ખર્ચે બનનાર વેટરનરી ઓફિસર એન્ડ એન્સીલરી વર્ક વેટરનરી તથા રૂ. ૧૫ લાખના ખર્ચે રીપેરીંગ વર્ક ઓફ ઓપરેશન થીયેટર ઇન્ડોર પેશન્ટ રૂમ બુલશેડ રૂમ તેમજ પટાવાળા કર્વાટર રીનોવેશન તેમજ ઇલેકટ્રીક ફીટીંગ કામો મળી કુલ રૂ.૧.૭૫ કરોડના વિકાસ કામોનું ખાતમુહુર્ત કરતા જણાવેલ કે પશુઓની સારવાર માટે ૧૯૬૨ હેલ્પલાઇન શરૂ કરી પશુઓની તાત્કાલિક સારવાર માટે સુવિધા  કરવામાં આવી છે. આ હેલ્પલાઇન પર સંપર્ક કરવાથી અકસ્માતમાં ઘવાયેલા કે બીમાર થયેલા પશુઓની સારવાર માટે મોબાઇલ વાન પશુ તબીબની સેવા સાથે સ્થળ પર આવે છે. માલીક વગરના પશુઓની સારવાર માટે પણ કામ કરવામાં આવે છે. જિલ્લા કક્ષાએ રાજય સરકાર દ્વારા  ૩૭ કરૂણાવાન પણ ચાલુ કરવામાં આવી છે. સરકાર દ્વારા ૧૦ ગામ દીઠ એક પશુ મોબાઇલ વાન શરૂ કરવામાં આવી છે. ૪૬૦ વાનમાંથી બાકીની ૫૦ વાન પણ હવે ટુંક સમયમાં શરૂ થશે.

આ કાર્યક્રમમાં રાજકોટના નાયબ પશુ નિયામક શ્રી કે.યુ.ખાનપરા,શ્રી રવજીભાઇ સરવૈયા, દુર્ગેશભાઇ કુબાવત, કાર્તિકભાઇ, મેમુબભાઇ, દીપુભાઇ ગીડા, ગજેન્દ્રભાઇ, રામભાઇ, દેવશીભાઇ તેમજ ડો.એન.ડી.કાગડા સહિતના ઉપસ્થિત રહયા હતા.

(11:42 am IST)