Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

મંડપ ડેકોરેશન, સાઉન્ડ સિસ્ટમ ડીજે, ફલાવર કામ, ફોટોગ્રાફી અને કેટરર્સના ધંધાદારીઓ કંટાળી ગયા

કોરોના કાળમાં એક વર્ષથી ધંધો ઠપ્પ હોય પરિવારનું ગુજરાન કઇ રીતે ચલાવવું ? : સરકાર પાસે મદદ માંગી : વડીયામાં આવેદન અપાયું

વડિયા તા. ૬ : સમગ્ર દેશ કોરોના મહામારી થી છેલ્લા એક વર્ષ થી પીડાઈ રહ્યો છે. ત્યારે અનેક લોકો ના ધંધા રોજગાર ઠપ્પ થયા છે. અનેક લોકો બેકાર બન્યા છે. ત્યારે વડિયા તાલુકા મંડપ સર્વિસ,લાઈટ ડેકોરેશન, સાઉન્ડ, ડીજે, કેટરર્સ, ફલાવર કામ અને ફોટોગ્રાફીના ધંધાર્થીઓએ વડિયા મામલતદાર માલાભાઈ ડોડીયાને આવેદનપત્ર આપી સરકાર પાસે પોતાના ધંધા છેલ્લા એક વર્ષથી સરકારની ગાઈડ લાઈનના પાલનના કારણે ઠપ્પ હોય પરિવારનુ ગુજરાન ચલાવવુ પણ મુશ્કેલ ભર્યું બન્યુ હોય ત્યારે સામાજિક પ્રસંગોમાં યોગ્ય છૂટછાટ આપી મંડપ સર્વિસ, લાઈટ ડેકોરેશન, ડીજે સાઉન્ડ સિસ્ટમ, ફોટોગ્રાફીના ધંધાર્થી બાબતે યોગ્ય મદદ કરવા અને પોતાના ધંધા ધીમે ધીમે ધબકતા કરવા યોગ્ય નિર્ણય લેવા જણાવ્યું છે.

જોકે કોરોના લોકડાઉન થી સામાજિક પ્રસંગો ઉપર કોરોના ગાઈડ લાઈન ના કારણે ખુબ જ કંટ્રોલ આવ્યો છે. લગ્ન, કથાઓ, મેળાઓ, ઉત્સવમાં પણ ખુબ જ કંટ્રોલ થયો છે ત્યારે આ ધંધાર્થીઓનો વેપાર આવા સામાજિક કાર્યક્રમ સાથે જોડાયેલો હોવાથી તેમની સ્થિતિ છેલ્લા એક વર્ષથી કફોડી બનતા અને તેમની સાથે જોડાયેલા મજુર વર્ગની હાલત પણ કફોડી બનતા સરકાર પાસે યોગ્ય મદદની માંગણી કરવામાં આવી છે.

આ આવેદનપત્રમા શિવમ લાઈટ ડેકોરેશનના મનીષ ઢોલરીયા, અલંકાર મંડપ સર્વિસ ના વિક્રમ ચાવડા, બાંસુરી સાઉન્ડના અનિલ પરમાર, રાજ સ્ટુડિયો એન્ડ ફોટોગ્રાફીના રાજુભાઈ કારિયા સહીત અનેક ધંધાર્થીઓ જોડાયા હતા.

(11:46 am IST)