Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ભાવનગરમાં કોરોનાથી ૧ મોત : માણાવદરમાં ૫૮ પોઝીટીવ કેસ

મહામારીનાં કેસમાં સતત ઉછાળાથી લોકોમાં ભારે ચિંતાઃ આરોગ્ય ટીમો દ્વારા દોડધામ

રાજકોટ,તા. ૬: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં કોરોના મહામારી દિવસએ દિવસે વધુ પ્રસરતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે. તો આરોગ્ય વિભાગે પણ દોડધામ શરૂ કરી દીધી છે.

ભાવનગરમાં કોરોનાએ એકનો ભોગ લીધો છે. જ્યારે માણાવદરમાં ૫૮ કેસ આવતા લોકો ચિંતામાં મુકાઇ ગયા છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર જિલ્લામા વધુ ૭૯ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૭,૨૪૯ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૩૭ પુરૂષ અને ૨૩ સ્ત્રી મળી કુલ ૬૦ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં ઉમરાળા ખાતે ૧, સિહોર તાલુકાના રામધરી ગામ ખાતે ૧, તળાજા ખાતે ૨, ઉમરાળા તાલુકાના બજુડ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના દિહોર ગામ ખાતે ૧, પાલીતાણા તાલુકાના મોટી રાજસ્થળી ગામ ખાતે ૧, તળાજા તાલુકાના તરસરા ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૩, પાલીતાણા તાલુકાના કુંભણ ગામ ખાતે ૧, વલ્લભીપુર ખાતે ૧, દ્યોદ્યા તાલુકાના વાવડી ગામ ખાતે ૧, દ્યોદ્યા તાલુકાના વાળુકડ(ઘો) ગામ ખાતે ૧, સિહોર તાલુકાના મોટા સુરકા ગામ ખાતે ૧, પાલીતાણા તાલુકાના નાની પાણીયારી ગામ ખાતે ૧, સિહોર તાલુકાના ટાણા ગામ ખાતે ૧ તેમજ ઉમરાળા તાલુકાના રંદ્યોળા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧૯ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. આજરોજ ભાવનગર શહેર ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

કોરોનાની બીજી ઇનિંગ તળાજા શહેર અને તાલુકામાં શરૂ થઈ ગઈ છે.સતત કેસમાં વધારો થઈ રહ્યો છે.મરણ આક વધવાની દહેશત વર્તાઇ રહી છે તેને ધ્યાને લેતા તળાજા કોર્ટ બાર એસો.દ્વારા તાત્કાલિક મીટીંગ બોલાવવામાં આવી હતી.જેમાં ઠરાવ કરવામાં આવ્યો હતોકે આગામી પંદર દિવસ સુધી બને ત્યાં સુધી કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવા નિર્ણય કરાયો છે.

માણાવદર

(ગીરીશ પટેલ દ્વારા) માણાવદર : શહેરમાં એન્ટીઝન કીટમાં પ૮ થી વધુ કોરોના પોઝીટીવ આવ્યા છે ? જો કે આ આંકડાએ ફરી હાહાકાર મચી ગયો છે. શહેરમાં જો સાચી તપાસ થાય તો હાહાકાર મચી જાય તેવા આંકડા બહાર આવવાની ચર્ચા આમ જનતા કરી રહી છે. લોકમુખે એવી ચર્ચા થઇ રહી છે. કે અનેક કોરોના કેસો છે. જેમાં ઘણા ને છે તે ખુલ્લે આમ બહાર ફરી રહયા છે જે અન્ય લોકો માટે ઘાતક છે જેનાથી વધુ રોગ ફેલાય રહ્યો છે. તો બીજી તરફ અનેક લોકો તપાસ કરાવવામાં ડરે છે. ત્યારે આમ જનતાના હિતમાં વધુને વધુ તપાસ કરાવે તથા તંત્ર હજી વધુ કામગીરી ઘરે - ઘરે કરી તપાસ કરાવાય તો ચોકવનારી વિગતો બહાર આવવાની શકયતાઓ છે તેવી ચર્ચા આમ જનતા કરી રહી છે. હાલ તંત્ર જાગે તેવી માંગ છે.

એક બાજુ માણાવદર શહેર તથા તાલુકામાં કોરોના કેસો એ હાહાકાર મચાવ્યો છે ત્યારે બે થી ત્રણ દિ'માં આશરે ૧પ૦ જેટલા કેસો શહેરમાં એન્ટીજન કિટમાં ડીટેકટ થયા છે તો બીજી બાજુ ભાજપ શાસિત પાલીકાના સત્તાધીશોની ખુલ્લેઆમ લાપરવાહીના કારણે સોમવારી ગુજરી ભરાય હતી જેમાં ડીસ્ટન્સના ધજીયા ઉડીયા હતાં. શહેરમાં કોરોનાએ ભરડામાં લીધો છે બીજી બાજુ ખુદ ભાજપ શાસિત પાલિકાના સતાધીશોએ ખુલ્લે આમ સરકારશ્રીના નિયમોના ધજીયા ઉડાડી દીધા છે.

(11:58 am IST)