Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

પોરબંદરની કોર્ટમાં સરખુ માસ્ક પહેરવાનું કહેતા કેદીની લોકરક્ષક સાથે ઝપાઝપીઃ ધમકી આપી

ગાળો આપવાની ના પાડનારનો કોલર પકડીને ફરજમાં રૂકાવટ કરી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૬ :.. કોર્ટમાં તારીખ માટે લાવવામાં આવેલ ખાસ જેલના કેદી કાના હરસુખભાઇ વદરને લોકરક્ષકે માસ્ક સરખુ પહેરવાનું કહેતા કેદી કાના હરસુખભાઇ ઉશ્કેરાઇ જઇને ઝપાઝપી કરી લોકરક્ષક નરેન્દ્રભાઇને ગાળો આપતો હોય જેને તે સમયે હાજર કમલાબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફ યુ. એલ. આર. નીખીલભાઇ ઘેલાભાઇ વાઘનો કોલર પકડીને ઝપાઝપી કરીને માર મારીને નીખીલભાઇના જેલમાં નોકરી કરતા માવજીભાઇને મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

કમલાબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફ યુ. એલ. આર. નીખીલભાઇ ઘેલાભાઇ વાઘે ખાસ જેલના કેદી કાના હરસુખભાઇ વદર સામે નોંધાવેલ ફરીયાદમાં જણાવેલ કે, કેદી કાના હરસુખભાઇને કોર્ટમાં તારીખ હોય કોર્ટમાં લઇ આવેલ અને તે સ્થળે કેદી કાના હરસુખભાઇને માસ્ક સરખુ પહેરવાનું લોક રક્ષક નરેન્દ્રભાઇએ કહેતા કેદી કાના ઉશ્કેરાય ગયેલ અને ઝપાઝપી, ગાળાગાળી કરવા લાગ્યો હતો ત્યારે તે સમયે હાજર કમલાબાગ પોલીસ સ્ટેશનના નીખીલભાઇ ઘેલાભાઇ વાઘ હાજર હોય તેમણે ગાળો આપવાની ના પાડતા કેદીએ ઝપાઝપી કરીને નિખીલભાઇના શર્ટનો કોલર પકડીને મારામારી કરી હતી અને અપમાનીત કરીને નિખીલભાઇના ભાઇ માવજીભાઇ જેલમાં નોકરી કરતો હોય તેને મારી નાખવાની ધમકી આપી હતી.

પોલીસે આરોપી કેદી સામે ફરજમાં રૂકાવટ ગુન્હો નોંધ્યો છે.

(1:03 pm IST)