Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

જુનાગઢના ભાલેચડાના લોકડાયરાના મામલે રાત્રે આયોજકોની જાહેરનામા ભંગ બદલ અટકાયત

સાંસદ માસ્ક વગર લોકડાયરો માણતા'તા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૬: ભાલેચડાનાં લોકડાયરાનાં મામલે રાત્રે માણાવદર પોલીસે છ આયોજકોની જાહેરનામા ભંગ બદલ અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જુનાગઢ જિલ્લાનાં માણાવદર તાલુકાનાં ભાલેચડા ગામે ગત ૩૦ માર્ચની રાત્રે બાલા હનુમાન મંદિર અને બાપા સીતારામ ગૌશાળાનાં લાભાર્થે લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ.

કોરોના સંકટ વચ્ચે પણ નામી કલાકારોનાં યોજાયેલ લોકડાયરામાં પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક સોફા પર બેસીને માસ્ક પહેર્યા વગર ડાયરો માણતા જોવા મળ્યા હતા.

આ અંગેનો વિડીયો વાયરલ થતાં હડકંપ મચી ગયો હતો અને તપાસના આદેશ જારી કરવામાં આવેલ.

જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી માણાવદરના પીએસઆઇ પી. વી. ધોકીયાએ જાતે ફરીયાદી બનીને લોકડાયરાનાં આયોજકો ભુપતભાઇ રામભાઇ જલુ, અરજણભાઇ રામભાઇ ધ્રાંગા, યોગેશભાઇ વસ્તાભાઇ ધ્રાંગા, મંદિરનાં પુજારી સદારામબાપુ, ધીરજભાઇ મનજીભાઇ અઘેરા અને દેવજીભાઇ હરજીભાઇ છાપરીયા સામે જાહેરનામા ભંગ કરી વગર પરવાનગીએ લોકડાયરાનું આયોજન કરી સોશ્યલ ડિસ્ટન્સનું પાલન ન કરી-કરાવી હોવાનો ગુનો નોંધીને ત્વરિત કાર્યવાહી કરી હતી.

દરમ્યાન પી.એસ.આઇ. ધોકડીયાએ આજે સવારે ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, ભાલેચડા ગામે વગર મંજુરીએ યોજાયેલા લોકડાયરાનાં આયોજકોની રાત્રે ૧૦ વાગ્યે અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં તમામને ધોરણસરની કાર્યવાહીનાં અંતે પોલીસ સ્ટેશન પરથી જ જામીન પર મુકત કરી દેવાયા હતા.

(1:05 pm IST)