Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં અંગ દઝાડતી લૂઃ પારો સતત ઉંચો

મહત્તમ તાપમાન ઉંચુ જતા આખો દિવસ અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહીમામ]

રાજકોટ તા.૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને મહત્તમ તાપમાનનો પારો સતત વધતા આખો દિવસ અંગ દઝાડતી લૂ વરસે છે જેના કારણે લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે.

એક તરફ કોરનાના કપરા કાળની સાથે હવે અસહ્ય લુ વર્ષાથી લોકો અને જીવસૃષ્ટિ ત્રાહીમામ પોકારી રહયા છે. આજે રાજકોટ અને સુરેન્દ્રનગર ૪૧.૩ સે. સાથે રાજયમાં સૌથી ગરમ શહેર રહયા હતા. તો સૌરાષ્ટ્રના પોરબંદર સોમનાથ સહિતના બે સ્થળોએ તા.૮ ગુરૂવારથી બે દિવસ ફરી હીટવેવની આગાહી કરાઇ છે.

રાજકોટ કાલે રાજયનું સૌથી ગરમા ગરમ શહેર બન્યુ હતુ. સુર્યનારાયણ આકરા તાપ અને અંગ દઝાડતી લુ નુ કારણે નગરજનો ઘરમાં પુરાઇ રહયા હતા. આગામી તા.૮ થી બે દિવસ સુધી પોરબંદર, સોમનાથમાં હિટવેવ રહેવાની આગાહી કરવામાં આવી છે.

ગઇકાલે પોરબંદરમાં ૩૩.પ, વેરાવળમાં ૩ર.૩, દ્વારકા ૩૧.૧, ઓખામાં ૩૧.૭, અમરેલીમાં ૪૦.૮, મહુવામાં ૩૭.૦, દિવમાં ૩૩.૮ ભુજમાં ૩૯.ર, કંડલા એરપોર્ટમાં ૪૦.૬ ડીગ્રી તાપમાન નોંધાયુ હતુ અને જામનગરમાં ૩પ.પ ડીગ્રી.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગરમાં ઉનાળાએ તેનો મિજાજ દેખાડવાનો શરૂ કર્યો છે. મહત્તમ તાપમાન વધવા લાગ્યું છે. આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન વધીને ૩૮.૧ ડીગ્રીને આંબી ગયુ હતુ. જયારે લઘુતમ તાપમાન ર૪.૦ ડીગ્રી રહેવા પામ્યુ છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ર૮ ટકા અને પવનની ઝડપ રર કિ.મી. પ્રતિ કલાકની નોંધાઇ છે.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : શહેરનું મહત્તમ તાપમાન ૩પ. પ ડીગ્રી લઘુતમ રર.પ, હવામાં ભેજ ૮પ ટકા, અને પવનની ઝડપ ૮.૭ કિ.મી. પ્રતિ કલાક રહી છે.

  • જુનાગઢ સહિતના વિસ્તારોમાં સવારે જોરદાર ધુમ્મસ
  • વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૯૩ ટકા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૬ : જુનાગઢ સહિતના વિસ્તારોમાં આજે સવારે મોટાપાયે ધુમ્મસ છવાય ગયુ હતુ. ધુમ્મસે એટલો આતંક મચાવ્યો હતો. જેનાથી સવારના ૮.૩૦ સુધી ધુધળુ વાતાવરણ રહયુ હતુ.

છેલ્લા એક સપ્તાહથી ધુમ્મસનું આક્રમણ શરૂ થયુ છે. સવારે જુનાગઢનાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૯૩ ટકાએ પહોંચી ગયુ હતુ. વહેલી સવારથી ગાઢ ધુમ્મસ શરૂ થયુ હતુ અને સવારના ૮.૩૦ વાગ્યાથી ધુમ્મસનું આક્રમણ રહેતા ધરતી પર વાદળા ઉતરી આવ્યા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

આજના ગાઢ ધુમ્મસને લઇને જુનાગઢનો ગિરનાર અને દાતાર પર્વત કલાકો સુધી ગાયબ રહેલ. સવારે જુનાગઢનું લઘુતમ તાપમાન ર૧.પ ડીગ્રી રહયુ હતુ અને પવનની ગતિ પ.૪ કિ.મી.ની રહી હતી.

(1:08 pm IST)