Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ૩ ગામમાં સ્વૈચ્છીક લોકડાઉન

કોરોના મહામારી વધતા ગ્રામ્ય વિસ્તારોમાં લોકો દ્વારા નિર્ણયઃ મહિનાઓ પછી જીલ્લામાં ૧૦નો આંક વટાવતો કોરોના

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૬ :. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા એકાદ સપ્તાહથી કોરોના મહામારીના કેસોમાં રોજ વધારો થતો જતો હોય તથા શહેરોમાં વ્યાપક બનેલો આ રોગચાળો હવે ગ્રામ્ય પંથકમાં પણ ફેલાવા લાગતા તથા એકાદ વર્ષથી જ્યાં એક પણ કોરોના પોઝીટીવ કેસ જ નોંધાયા નથી, ત્યાં ગ્રામ્ય પંથકમાં પણ કોરોનાના કેસ રોજ પાંચ-સાત નિકળવા માંડતા ગ્રામજનોમાં ચિંતાની લાગણી ફેલાય છે તથા ગ્રામજનોએ સ્વૈચ્છીક રીતે સામુહિક રીતે સરકારી તંત્રની મદદ વગર ગામ બંધ આંશિક કરીને બહાર ઓછા નિકળાય તેવી સ્થિતિ શરૂ કરી છે.

દ્વારકા જિલ્લાના લાંબા, ભોગાત, નંદાણા જેવા ગામોમાં પહેલ શરૂ થઈ છે તો આ પહેલમાં દેવટિયા જેવા ગામો પણ જોડાનાર છે.

ખંભાળિયા વેપારી મંડળના પ્રમુખ જગુભાઈ રાયચુરાએ જણાવેલ કે ખંભાળિયા શહેરમાં પણ રોગચાળો હવે વ્યાપક થતો જતો હોય વેપારીઓ તથા સરકારી તંત્ર સાથે સંકલન યોજીને દિવસમાં કયા સમયમાં થોડો સમય બંધ કરવી અથવા દુકાનો વહેલી બંધ કરવી જેવા નિર્ણયો ચર્ચા કરીને કરવા આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.

બે દિવસથી રોજના ચારેય તાલુકામાં ૧૦ -૧૦ કેસો થઈ ગઈકાલે ૧૧ કેસ નવા નોંધાયા છે. ત્રણ માસ પછી ૧૦ ઉપર આંકડો થયો છે. ખંભાળિયામાં ચાર, કલ્યાણપુરમાં ચાર, દ્વારકામાં બે તથા ભાણવડમાં એક નોંધાયો છે તથા ખંભાળિયા, દ્વારકા તથા કલ્યાણપુરમાંથી એક એક મળી ત્રણ દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે.

(1:13 pm IST)