Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

સાંસદ પૂનમબેન માડમે વેકશીનનો પ્રથમ ડોઝ લીધો

જામનગર તા. ૬: નોવેલ કોરોના વાઇરસ (કોવીડ-૧૯)ના સંક્રમણને નિયંત્રણમાં રાખી શકાય તે હેતુથી સમગ્ર ગુજરાત રાજયમાં કોરોના પ્રતિરોધક વેકશીન આપવામાં આવે છે. જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદશ્રી પૂનમબેન માડમ તથા તેમના પરિવારજનોએ જી.જી.હોસ્પિટલ ખાતે વેકશીનનો પ્રથમ ડોઝ લીધેલ હતો.

    કોરોના વેકશીનનો પ્રથમ ડોઝ લીધા બાદ સાંસદશ્રી પૂનમબેન માડમે જામનગર અને દેવભૂમિ દ્વારકાના ૪૫ વર્ષથી ઉપરના નાગરિકોને કોઇપણ જાતનો મનમાં ડર રાખ્યા વગર સ્વદેશી બનાવટની વેકશીન લેવા અપીલ કરતાં જણાવેલ કે, સમગ્ર વિશ્વમાં સૌથી મોટું રસીકરણ જો ચાલતું હોય તો તે ભારત દેશમાં ચાલે છે. કોરોના સમયમાં મે પણ જાગૃત રહી આજે કોરોના સામે લડવા માટેનો પ્રથમ ડોઝ લીધેલ છે.

રસીકરણ કરાવી કોરોના સામેની લડાઇમાં જોડાવા આહવાન કરતાં સાંસદશ્રી પૂનમબેન માડમે વધુમાં ઉમેર્યું કે, ઇન્જેશન લીધા બાદ આડઅસર થાય છે તેવી અફવાઓ હતી પરંતુ મે વેકશીન લીધેલ છે વેકશીન લેવાથી કોઇપણ જાતની આડઅસર થતી નથી. વિશ્વના સમૃધ્ધ દેશો પણ જે નથી કરી શકયા તે માનનિય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતે સાર્થક કરી બતાવ્યું છે. કોરોના સામેની લડતમાં સામાન્ય માનવીએ જે પહેલ કરેલ છે તે બદલ રસીકરણ પછીની પાયાની સુવિધાઓ તાત્કાલિક મળી રહે તે માટે સાંસદશ્રી તરફથી કીટ આપવામાં આવે છે.

આ તકે સાંસદ પૂનમબેન માડમની સાથે મેયર બિનાબેન કોઠારી, ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન નંદીની દેશાઇ, કોવિડ હોસ્પિટલના નોડેલ ઓફિસર ડો. ચેટરજી ઉપસ્થિત રહ્યાં હતા.

(1:15 pm IST)