Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

જૂનાગઢમાં કોરોના સંક્રમણ વધતા આ વર્ષે ચેટીચાંદ મહોત્સવના તમામ કાર્યક્રમો કેન્સલ

માત્ર પોતાના વિસ્તારમાં જુલેલાલ મંદિર તથા ભેરાણો સાહેબના દર્શન પુજન કરાશે

જુનાગઢમાં પ્રતિ વર્ષ સમસ્ત સિંધી સમાજ દ્વારા સિંધી સમાજના નૂતન વર્ષ અને ઝુલેલાલ સાહેબના પ્રાગટ્ય દિન નિમિત્તે ચૈત્રીબીજના દિવસે ચેટીચાંદ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણ ના વધે તેને ધ્યાને લઈ તમામ કાર્યક્ર્મ રદ કરી ચેટીચાંદ મહોત્સવ હવે માત્ર પોતાના વિસ્તારમાં જુલેલાલ મંદિર તથા ભેરાણો સાહેબના દર્શન-પૂજન કરીને ઉજવવામાં આવશે.

શહેરમાં સિંધુ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા સિંધી સાંસ્કૃતિક કાર્યક્રમો અને જ્ઞાતિના સમૂહ ભોજનનો કાર્યક્રમ યોજવામાં આવે છે જ્યારે ઝુલેલાલ સેવા ટ્રસ્ટ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ઝુલેલાલ સાહેબની ઝાખીઓની શોભાયાત્રા ચેટીચાંદના બીજા દિવસે જુનાગઢમાં યોજાતી હોય છે. પરંતુ હાલમાં સમગ્ર દેશમાં કોરોના મહામારી સામે લડતને વધુ મજબૂત બનાવવા જાહેર હિતમાં આ વર્ષે 13મી એપ્રિલે, ચેટીચંડ મહોત્સવની ઉજવણી, શોભાયાત્રાના કાર્યક્રમો તેમજ ભોજનનું આયોજન સિન્ધુ વેલ્ફેર ફાઉન્ડેશન, શ્રી ઝુલેલાલ સેવા ટ્રસ્ટ, શ્રી ઇચ્છાપૂર્વ ઝુલેલાલ મંદિર (સિંધી સોસાયટી), શ્રી અંબિકા નગર સિંધી જનરલ પંચાયત, શ્રી ઝુલેલાલ મંદિર (આદર્શ નગર), શ્રી ઝુલેલાલ મંદિર (સુખનાખ ચોક), સિંધી લોહાણા (રિયાસત) જનરલ પંચાયત, રાયજીનગર સહિત શહેરના વિવિધ ગુરુદ્વારા સંગઠનો, સોસાયટીઓ તેમજ યુવક મંડળ દ્વારા રદ કરી દેવાયું છે. અને ચેટીચાંદ મહોત્સવ હવે માત્ર પોતાના વિસ્તારમાં જુલેલાલ મંદિર તથા ભેરાણો સાહેબના દર્શન-પૂજન કરીને મનાવવાની રહેશે.

(1:26 pm IST)