Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

કોરોના મહામારી વચ્ચે આંકડા છુપાવવાનું કારસ્તાન ?

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને નગરપાલિકા વિસ્તારમાં પોઝીટીવ આંકડામાં જબરી ગોલમાલ હોવાની ચર્ચાઃ મહામારી સમયે જ ઓછા આંકડા બતાવીને તંત્ર શું કરવા માગે છે ?

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ૬ :. કોરોના મહામારીએ માથુ ઉંચકયુ છે ત્યારે લોકોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. દરરોજ કોરોના પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લામાં તંત્ર દ્વારા કોરોના પોઝીટીવ કેસના આંકડા છુપાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાની ચર્ચાએ ખળભળાટ મચી ગયો છે. આરોગ્ય વિભાગ અને સરકારી તંત્ર દ્વારા આપવામાં આવતા આંકડામાં મોટી ગોલમાલ હોવાની ચર્ચાએ જોર પકડતા લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર સામે પગલા ભરવા માંગ ઉઠી છે.

રાજકોટ જિલ્લા અને નગરપાલિકા વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા દરરોજ જુદા જુદા દર્દીઓનું ચેકઅપ કરવામાં આવે છે. જેમાંથી પોઝીટીવ આવતા દર્દીઓને હોમ કોરન્ટાઈન અથવા તો હોસ્પીટલમાં ખસેડવામાં આવે છે. દિવસેને દિવસે પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થાય છે પરંતુ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પોઝીટીવ કેસની સંખ્યામાં જબરો તફાવત જોવા મળ્યો હોવાનું ચર્ચાય રહ્યુ છે.

કોરોના મહામારીએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે ત્યારે સરકાર લોકોને વધુમાં વધુ સારવાર મળે એ માટે પ્રયત્નો કરે છે ત્યારે સિકકાની બીજી બાજુ કોરોના પોઝીટીવ આવેલા દર્દીઓના સાચા આંકડા કેમ છૂપાવે તે પ્રશ્ન દરેક લોકોમાં પુછાઇ રહ્યો છે ત્યારે તંત્ર પાસેથી મેળવાયેલ સત્તાવાર આંકડાઓ અલગ આવતા ભારે ખળભળાટ મચી ગયો છે.

ગઇકાલે અમુક અખબારોમાં રાજકોટ જીલ્લાના માત્ર ર૮ કેસ બતાવવામાં આવ્યા છે ત્યારે આ અંગે વિગતો મેળવતા પોઝીટીવ કેસનો આંકડામાં ભારે તફાવત જોવા મળતા જીલ્લાનાં આરોગ્ય તંત્ર  સામે અનેક સવાલો ઉભા થયા છે. ગઇકાલે સ્થાનીક જીલ્લા આરોગ્ય દ્વારા જ ખાતાકિય નોંધની તાલુકા અને જીલ્લાની નગરપાલિકાઓમાં થયેલ કુલ કોરોના પોઝીટીવ દર્દીઓ કુલ ૩ર૬ થાય છે.

આ અંગે જીલ્લાના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરવા પ્રયાસ કરાયો હતો પરંતુ ફોન રીસીવ થયા નહોતાં.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ખોડા પીપળી ગામે કોરોનાનાં ખોટા ટેસ્ટીંગનું કૌભાંડ બહાર આવ્યુ તેમાં જીલ્લાનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા અપાયેલ સુચના મુજબ અને મીઠી નજર હેઠળજ બધુ ચાલતુ હતુ પરંતુ હાલ નાના કર્મચારીઓ અધિકારીઓના હાથો બનતા તેમના તપેલા ચડી ગયા છે...!

જો કે ખોડા પીપળ આરોગ્ય કેન્દ્રનું કૌભાંડ બહાર આવતા અને તેમાં સ્થાનીક કર્મચારીઓને ઘેર બેસવાનો વારો આવતા ગઇકાલે જીલ્લાભરમાંથી મોટા ભાગના તાલુકા બ્લોક ઓફીસમાંથી ઉપરી અધિકારીઓની સુચનાને અવગણી પોઝીટીવ કેસનાંં સાચા આંકડાઓ જ મોકલવામાં આવ્યા છે.

આમ છતાં જીલ્લાનાં ઉચ્ચ અધિકારીઓએ કોઇના ડર વગર ખોટા આંકડાઓ બતાવતાં ભારે ચર્ચા સાથે ખળભળાટ મચી ગયો છે.(૨-૧૯)

જીલ્લાની યાદી

તાલુકો               પોઝીટીવ કેસ

કોટડાસાંગાણી-         ૧ર

ગોંડલ-ગ્રામ્ય-        ૧૭

રાજકોટ-ગ્રામ્ય         ૮૩

પડધરી - ગ્રામ્ય        ૧૪

લોધીકા-ગ્રામ્ય          ૩૭

ધોરાજી-ગ્રામ્ય          ૦

ઉપલેટા- ગ્રામ્ય        ર૧

જેતપુર-ગ્રામ્ય         ૭

જામકંડોરણા-ગ્રામ્ય     ૧૬

જસદણ-ગ્રામ્ય        ૦

બાદમાં              ૩૬

વિંછીયા-ગ્રામ્ય          ૮

ગ્રામ્ય ટોટલ  ર૧પ

પાલીકા

ધોરાજી-             ૪

ગોંડલ-              ર૪

ઉપલેટા-             ર૯

જેતપુર-             ૦

જસદણ-             ૦

                     પ૭

રાજકોટ-ગ્રામ્ય         ર૧પ

જસદણ તાલુકાના      પ૪

બાદમાં ઉમેરાતા       ર૬૯

પાલીકા વિસ્તાર    +          પ૭

                     ૩ર૬

કુલ કેસ

જીલ્લાના નગર પાલિકા વિસ્તાર સહિત ૩ર૬ થાય છે.

(3:57 pm IST)