Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

કચ્છમાં સરકારી ચોપડે કોરોના અંકુશ હેઠળ: પણ ગ્રામ્ય વિસ્તારોમાં વધતાં કેસો અને મોતને કારણે વચ્ચે દેકારો:આંકડા પ્રમાણે નવા ૧૭૩ કેસ ૫ મોત પણ અબડાસામાં એક અઠવાડિયામાં ૨૫૦ કેસ, ૮ મોત, અંજારના સતાપર ગામે ૧૦ મોત

(વિનોદ ગાલા દ્વારા) : (ભુજ) ડીડીઓ અને આરોગ્ય અધિકારી બદલાયા છતાંયે કચ્છમાં કોરોના કેસ સંદર્ભે આંકડાકીય ખેલ ચાલુ રહ્યો છે. નવા ૧૭૩ કેસ સાથે સારવાર લેતા દર્દીઓ ૨૮૫૧ તેમ જ વધુ ૫ મોત દર્શાવાયા છે. જોકે, સરકારી આંકડા અનુસાર કોરોના કાબૂમાં હોય તેમ કેસ અને મોતની સંખ્યા ઘટી છે. પણ, વાસ્તવિકતા અલગ છે. અત્યારે ભુજ, ગાંધીધામ એ શહેરી વિસ્તારોમાં સંક્રમણ વધુ અને છેવાડાના તાલુકાઓ તેમ જ ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાની અસર ઓછી છે એવું ચિત્ર ઉપસવાઈ રહ્યું છે. પરંતુ, અબડાસા તાલુકામાં નલિયા અને કોઠારા સહિતના આજુબાજુના ગામડાઓમાં કોરોનાએ દેકારો મચાવી દીધો છે. છેલ્લા એક અઠવાડિયામાં લગભગ ૨૫૦ થી વધુ કેસ અને ૮ મોત નિપજયા છે. અહીં રાતા તળાવ કોવિડ કેર સેન્ટરમાં ૭૦, કોઠારા કેર સેન્ટરમાં ૧૩ દર્દીઓ સારવાર હેઠળ છે. ચાર દિવસ દરમ્યાન જ કોઠારા પીએચસીમાં ૬૭ અને નલિયા રેફરલ હોસ્પિટલમાં ૨૧ દર્દીઓ પોઝિટિવ નોંધાયા છે. આ ઉપરાંત લખપત તાલુકામાં કેસ દર્શાવાતા નથી પણ અહીં'યે કોરોનાનો કેર છે. માતા ના મઢ મધ્યે કેર સેન્ટર ઉભુ કરાયું છે. લખપત તાલુકા પંચાયત વારંવાર ઓક્સિજન સુવિધા સાથે ના બેડ ઊભા કરવા માંગણી કરી રહી છે. અંજારને અડીને આવેલા સતાપર ગામમાં કોરોનાએ ૧૦ મોત સાથે કેર વર્તાવી દીધો છે. ગામ લોકોએ ૧૫ તારીખ સુધી સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કર્યો છે. લોટ, રાશન માટે હોમ ડિલિવરી તેમ જ ગામ બહાર જો કોઈ અગત્યના કામ માટે જવું હોય તો ગ્રામ્ય સમિતિની રજા લઈ જવું એવો નિર્ણય કરાયો છે.

(9:25 am IST)