Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

જેતપુર તાલુકાના વીરપુરની જમીનના લેન્ડ ગ્રેબીંગના કેસમાં ભરવાડ શખ્સની જામીન અરજી હાઇકોર્ટમાં મંજૂર

રાજકોટ તા. ૬ :.. જેતપુર તાલુકાના વીરપુર ગામની આશરે ૯૦ વિઘા જમીનના લેન્ડ ગ્રેબીંગ કેસમાં ગોંડલના ભરવાડ શખ્સની જામીન અરજી મંજૂર કરવાનો ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો હતો.

સદરહું બનાવની એફ. આઇ. આર. મુજબની વિગત એવી છે કે આરોપી રમેશભાઇ રાજુભાઇ સિંધવ વિરૂધ્ધ વિરપુર પોલીસ સ્ટેશનમાં આઇ. પી. સી. કલમ ૪૦૬, ૪ર૦, ૪૪૭, ૩૮૬, ૩ર૩, પ૦૪, પ૦૬(ર), ૧ર૦(બી) તથા જી. પી. એકટની કલમ ૧૩પ તથા લેન્ડ ગ્રેબીંગના કાયદાની કલમ ૩, ૪ (૩) તથા પ(સી) મુજબનો ગુન્હો નોંધાયેલ હતો.

આ કામના ફરીયાદીએ એવી હકિકત લખાવેલ કે તેઓની માલીકીની જેતપુર તાલુકાના વીરપુર ગામની સીમમાં રેવન્યુ સર્વે નં. પ૬૦ પૈકીની આશરે ૯૦-૦૦ વિઘા જમીન આવેલ હતી. જે જમીન ફરીયાદીના પરિવારના જુદા જુદા સભ્યોના નામે આવેલ હતી. આ કામના ફરીયાદીને ધંધામાં નુકશાની જતા બેંકના લોનના હપ્તા ચડત થતા મોટી આર્થિક સંકડામણ ઉભી થતા સદરહું જમીન પૈકી ૮પ-૦૦ વિઘા જમીન આરોપીના ભાઇ કમલેશભાઇ રાજૂભાઇ સિંધવને આશરે રૂપિયા ૭ કરોડમાં વેચવાનું નકકી કરેલ. જેના અનુસંધાને કમલેશભાઇ રાજુભાઇ સિંધવ આરોપી રમેશભાઇ રાજુભાઇ સિંધવના નામનો ૪૬-૦૦ વિઘાનો દસ્તાવેજ કરાવી લીધેલ અને તેના બદલામાં પુરતો અવેજ ચુકવેલ નહી અને ફરીયાદીએ જયારે પોતાના અવેજની માગણી કરેલ ત્યારે આરોપીઓએ કહેલ કે હવે તને અમારે કોઇ રૂપિયા આપવાના નથી તેમ કહી લાકડી વડે પગની ઘુંટીના ભાગે બેફામ માર મારી કહેલ કે જો બીજીવાર અહી આવ્યો તો જાનથી મારી નાખીશું.ઉપરોકત બનાવના અનુસંધાને ફરીયાદીએ કમલેશભાઇ રાજુભાઇ સિંધવ તથા નરેશભાઇ રાજુભાઇ સિંધવ તથા રમેશભાઇ રાજુભાઇ સિંધવ તથા ધીરૂભાઇ બચુભાઇ ગમારા વિરૂધ્ધ લેન્ડ ગ્રેબીંગ મુજબની ફરીયાદ કરેલ હતી.

ઉપરોકત આરોપીઓ પૈકી આરોપી રમેશભાઇ રાજુભાઇ સિંધવે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી ગુજારતા, આરોપીના વકીલની દલીલ તથા જુદા જુદા ચૂકાદાઓ ધ્યાને લઇ નામદાર ગુજરાત હાઇકોર્ટે રમેશભાઇ રાજુભાઇ સિંધવની જામીન અરજી મંજૂર કરેલ છે.

આ કામે આરોપી રમેશભાઇ રાજુભાઇ સિંધવ વતી ગુજરાત હાઇકોર્ટમાં વકીલ તરીકે સંદિપ આર. લીંબાણી, નિલેશ સી. ગણાત્રા તથા અમીત એમ. મેવાડા રોકાયેલ હતાં.

(11:36 am IST)