Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

વડિયાના હનુમાન ખીજડીયામાં રાજકીય ભેદભાવ ભૂલી બંને પક્ષના આગેવાનો દર્દી નારાયણની સેવામાં એક તાંતણે બંધાયા

સરપંચ સત્યમ માકાણી અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જયસુખ ભુવા દ્વારા કોવીડ કેર સેન્ટર શરૂ કરાયું

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા તા. ૬ : સમગ્ર દેશ કોરોના મહામારીમાં પીડાઈ રહ્યો છે ત્યારે કોરોના સંક્રમણ બેકાબુ બની ગામડાઓ માં ઘર ઘર સુધી પહોંચતું જોવા મળી રહ્યુ છે ત્યારે વડિયાના છેવાડા ગામ એવા હનુમાન ખીજડીયા ગામે કોરોના સંક્રમણ બેકાબુ થતા સ્થાનિક આગેવાનો દ્વારા ગામની બહાર આવેલી ભુવાવાડીમાં કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યુ છે.

સ્થાનિક આગેવાનો સરપંચ સત્યમ મકાણી અને તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ જયસુખભાઇ ભુવાના જણાવ્યા અનુસાર અમારા ગામના કોરોના સંક્રમણથી ઘણા લોકોના ટૂંકા ગાળામાં મૃત્યુ થયા છે. અને હાલ પણ કોરોના સંક્ર્મણ વધુ છે ત્યારે ગામના લોકોને વિના મુલ્યે તમામ સારવાર મળે તેવા હેતુથી આરોગ્ય મંત્રીના કાર્યાલયનો સંપર્ક કરી તેમની મદદથી ગામમાં જ કોવીડ કેર સેન્ટરની માન્યતા મેળવીને ત્રણ ડોકટરો અને બે નર્સની મદદથી આ દર્દીઓની સારવાર વિનામૂલ્યે પુરી પાડવામાં આવી રહી છે.

જેમાં હાલ પણ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ઓકિસજન, એમ્બ્યુલન્સ સહીત ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ માટે વડિયાની ગોવર્ધન ગૌશાળાની એમ્બ્યુલન્સની મદદ ઉપરાંત ગામના આગેવાનોના આર્થિક સહયોગથી આ કોવીડ કેર સેન્ટર ચાલુ કરવામાં આવ્યુ છે. જેમાં ગામલોકો ને વિનામૂલ્યે આરોગ્યલક્ષી સારવાર અપાઈ રહી છે. આ ભગીરથ કાર્યમાં ભાજપ અને કોંગ્રેસના બંન્ને આગેવાનો એક મંચ પર આવી દર્દીનારાયણ સેવા જોતરાતા જોવા મળી રહ્યા છે. ત્યારે કોરોના સંક્રમણને કાબુમાં લાવવા માટે રાજકારણ કોરાણે મૂકી નેતાઓએ હાલ કોરોનાને દેશનો શત્રુ સમજી સામે લડત આપવા લોકોની સેવામા જોતરાઈ તો ચોક્કસ કોરોનાને હરાવી શકાય. આ હનુમાન ખીજડીયા જેવું ૧૫૦૦ આસપાસ વસ્તી ધરાવતું નાનકડું ગામ તેની શિખામણ આપતું જોવા મળી રહ્યુ છે.

(11:37 am IST)