Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

ગોંડલ સેનિટેશન વિભાગ દ્વારા પ્રિ મોન્સૂન કામગીરી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૬ : ગોંડલ નગરપાલિકા સેનિટેશન વિભાગે દિવસ રાત સફાઈ ઝુંબેશ હાથ ધરી શહેરને સ્વચ્છ બનાવવા તરફ કાર્યવાહી કરવામાં આવી રહી હોય ભર ઉનાળા દરમ્યાન વાતાવરણ પલટવાની સાથોસાથ હળવા ભારે વરસાદી ઝાપટા વરસી રહ્યા હોય પ્રિ મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવતા સરાહના થવા પામી છે.

નગરપાલિકાના સેનિટેશન શાખાના ચેરમેન પદે હંસાબેન માધડ દ્વારા ૫૦ થી વધુ સફાઈ કામદારો ની ભરતી કરી દિવસ રાત સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેના પરિણામે શહેર સ્વચ્છ પણ ભાસી રહ્યું છે, ભર ઉનાળે જ પ્રિ મોન્સૂન કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે જેમાં કચરથી ભરાયેલી ભૂગર્ભ ગટરો અને બુગદાઓ ને પ્રાધાન્ય આપી સફાઈ શરૂ કરી દેવામાં આવી છે. સફાઈ કામદારોની ટીમ ઇન્સ્પેકટર કેતનભાઈ મકવાણા , સબ ઇન્સ્પેકટર ચિરાગભાઈ શ્યારા, રવીભાઈ જોષી, ચંદુભાઈ, નાનજીભાઇ ચાવડા, ચિરાગભાઈ પ્રફુલ્લભાઈ રાજયગુરુની સાથે સમગ્ર શહેરમાં ફરી વળી ચોમાસા પહેલાજ પ્રિ મોન્સૂન કામગીરી પુરી કરી આપનાર છે.

આ ઉપરાંત સેનિટેશન ચેરમેન હંસાબેન માધડ દ્વારા વિભાગ ને વધુ આધુનિક બનાવવા પાંચ ટ્રેકટર, છોટા હાથી તેમજ આધુનિક સાધન સામગ્રી ની માંગ કરવામાં આવી છે.

પ્રિ મોન્સૂન કામગીરી જોઈ લોકો કહી રહ્યા હતા કે પ્રતિ વર્ષ પાલિકા તંત્ર દ્વારા માત્ર ચોપડા ઉપરજ પ્રિ મોનસૂન કામગીરી દેખાડવામાં આવતી હતી આ વર્ષે સેનિટેશન શાખા એ પ્રિ મોન્સૂન કામગીરી શરૂ કરી સરાહનીય કાર્ય શરૂ કર્યું છે.

(11:41 am IST)