Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

દર્દીઓ ઘટતા બેડ ખાલી થતાં જામનગર -રાજકોટના કોરોનાના દર્દીઓ સારવાર અર્થે મોરબી તરફ વળ્યા

મોરબીના કોવીડ સેન્ટરમાં પણ અન્ય જિલ્લામાંથી સારવારમાં આવતા કોરોનાગ્રસ્ત દર્દીઓ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા.૬: એપ્રિલ મહિનામાં મોરબી શહેર-જિલ્લામાં કોરોનાએ તબાહી મચાવ્યા બાદ હવે મોરબી સ્વબળે ઓકિસજન તેમજ સારવારમાં આત્મનિર્ભર થયા બાદ છેલ્લા અઠવાડિયામાં મોરબીમાં ઉલ્ટી ગંગા જેવી સ્થિતિ વચ્ચે જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર અને જૂનાગઢ સહિતના જિલ્લાના દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. એ જ રીતે માનવતા મહેકાવનાર કોવીડ કેર સેન્ટરમાં પણ અન્ય જિલ્લાના અનેક દર્દીઓ સારવાર લઈ સાજા નરવા થઇ રહ્યા છે.

એપ્રિલ માસના પ્રથમ અઠવાડિયામાં મોરબી શહેર અને જિલ્લામાં કોરોના કહેર બનીને ત્રાટકતા સરકારી-ખાનગી હોસ્પિટલો ટૂંકી પડવાની સાથે નાના-મોટા કલીનીકો પણ હાઉસફુલ થતા મોરબીના કોરોના પેશન્ટને રાજકોટ, જામનગર અને જૂનાગઢ સુધી કોરોનાની સારવાર માટે જવું પડતું હતું. પરંતુ મે માસના પ્રથમ અઠવાડિયામાં કોરોના હાંફતા સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં વેઇટિંગ ખતમ થવાની સાથે હવે અન્ય જિલ્લાના કોરોનાના દર્દીઓને મોરબીમાં સારવાર આપવામાં આવી રહી છે.

મોરબી સિવિલ હોસ્પિટલના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં સિવિલ હોસ્પિટલમાં મોરબી ઉપરાંત રાજકોટ જિલ્લાના ૧૪, જામનગરના -૫, સુરેન્દ્રનગરના-૫, ઉપરાંત ભુજ, ગાંધીનગર, અમરેલી, પાટડી, પોરબંદર સહિતના ૩૧ દર્દીઓ હાલમાં સારવાર લઇ રહ્યા છે. અને મોટાભાગના દર્દીઓ ઝડપભેર રિકવરી પણ મેળવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી ચરમસીમાએ હતી ત્યારે મોરબીમાં પાટીદાર સમાજ, યંગ ઇન્ડિયા ગ્રુપ, રદ્યુવંશી સમાજ ઉપરાંત અન્ય નાના-મોટા સંસ્થાકીય કોવિડ કેર સેન્ટર શરુ કરી દર્દીનારાયણની સારવાર શુશ્રુષા કરવામાં આવી રહી છે અને આજે પણ અહીં મોરબી ઉપરાંત અન્ય જિલ્લાના અનેક દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

(11:44 am IST)