Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

જુનાગઢ જિલ્લામાં પાંચ દિવસમાં ૧પ૮૮ કેસ, ૧૬ દર્દીનાં મોતઃ ૧૧૧૪ ડિસ્ચાર્જ

અઘોષિત લોકડાઉન છતાં કેસ અને મૃત્યુમાં વધારો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૬ :.. જુનાગઢ જિલ્લામાં કોરોનાની રફતાર યથાવત રહી છે અઘોષિત લોકડાઉન છતાં છેલ્લા પાંચ દિવસમાં કોરોનાના કેસ ૧પ૮૮ નોંધાયા છે. અને ૧૬ દર્દીનાં મૃત્યુ થયા છે.

કોરોનાનાં સંક્રમણને અટકાવવા માટે સરકાર નાઇટ કફર્યુ સહિતના કડક નિયંત્રણો લાદયા છે. પરંતુ આંશિક લોકડાઉનની અસર નહિવત રહી છે જુનાગઢ જિલ્લામાં ૧ લી મે ગુજરાત સ્થાપના દિનની કોરોનાએ સ્પીડ વધારી છે.

પાંચ દિવસ અગાઉ એટલે કે, તા. ૧ લી મેનાં રોજ જિલ્લામાં ર૮૩ કેસની એન્ટ્રી થવાની સાથે ૭ દર્દીનાં મોત થયા હતાં.

તા. બીજીએ ર૯૩ નવા કેસ નોંધાયા હતા અને ૯ કોવીડ દર્દીઓ અંતિમ શ્વાસ લીધા હતાં.

તા. ૩ નાં રોજ ર૮૦ કેસ નોંધાવાની સાથે ૯ પેશન્ટનાં મોત થયા હતાં. તા. ૪ નાં રોજ કોરોનાએ હનુમાન કુદકો લગાવતા નવા ૩પ૦ કેસ થયા હતા અને ૭ મોત નિપજયા હતાં.

ગઇકાલે તા. પ નાં રોજ જુનાગઢ જિલ્લામાં કોરોનાએ માજા મુકતા નવા ૩૮ર કેસ નોંધાયા હતાં. આમ નવા કેસનો વિસ્ફોટ થવાની સાથે ૯ કોવીડ દર્દીન કોરોના ભરખી ગયો હતો.

જુનાગઢ જિલ્લામાં તા. ૧ થી પ મે  દરમ્યાન ૧પ૮૮ નવા કેસની સામે ૧૧૧૪ દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં.

આમ જિલ્લામાં અઘોષિત લોકડાઉન દરમ્યાન પણ કોરોનાએ આતંક મચાવતા તંત્ર મુંઝવણમાં મુકાય ગયું છે.

(11:50 am IST)