Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

રાજુલામાં વેકિસનનો જથ્થો નહી અપાય તો ધરણાઃ અંબરીશ ડેરની ચિમકી

રાજુલા, તા.૬: હાલ સમગ્ર દેશ અને રાજયમાં વેકિસન કાર્યક્રમ ચાલી રહ્યો છે પરંતુ વેકિસન કેન્દ્ર પર સરકાર શ્રી દ્વારા પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં ના આવતાં વેકિસન કેન્દ્ર પર લોકોને વારંવાર ધક્કા થઈ રહ્યો છે ત્યારે કોરોના વાઈરસ મહામારી વચ્ચે લોકો રસી લેવા માટે પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે રાજુલા નાં યુવા ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા મુખ્યમંત્રી ને પત્ર લખતા જણાવ્યું હતું કે  હાલમાં જયારે કોરોના વાઈરસ (કોવિડ-૧૯) નામની મહામારીના કારણે સમગ્ર દેશમાં અને આપણા ગુજરાત રાજયમાં જયારે સ્થિતિ અતિ વિકટ અને ગંભીર છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજયમાં કોવિડ-૧૯ વેકસીનેશનની ઝુંબેશ પ્રચાર માધ્યમથી ખુબજ જોરશોર થી ચલાવાઈ રહી છે, ત્યારે મારી વિધાનસભા વિસ્તારમાં વેકસીનનો જથ્થો છેલ્લા ત્રણ-ચાર દિવસથી સાવ નહિવત્ પ્રમાણમાં પ્રાપ્ત થયો છે અને આજે તો બિલકુલ મળેલ નથી.

જેથી લોકોને ખુબજ હાલાકી ભોગવવી પડી રહી છે. સરકાર એક બાજુ મોટા ઉપાડે  'વેકસીન લો, વેકસીન લો ' તેમ કહે છે જયારે બીજી બાજુ વેકસીનનો જથ્થો જરૂરિયાત મુજબ મળતો નથી, તો આવી રીતે લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરી અને વેકસીનનો જો લોકોને સમયસર મળે તેમ કરવું જોઈએ . મારા વિસ્તારમાં સરકાર દ્વારા સમયસર વેકસીનનો જથ્થો આપવામાં આવતો નથી ત્યારે જો અગામી બે દિવસ ની અંદર મારા વિસ્તારને વેકસીનનો પુરો જથ્થો નહિ મળે તો હું કોરોનાની ગાઈડલાઈનને ધ્યાને લઇ સવાર થી સાંજ સુધી સરકાર સામે ધરણા પર બેસીશ. તેવી ચિમકી સાથે પત્ર લખ્યો હતો.  આગામી દિવસોમાં સરકાર શ્રી દ્વારા રાજુલા વિસ્તારમાં વેકિસન નો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે છે કે પછી ધારાસભ્યને ધરણાં કરવાની જરૂર  છે.

(1:05 pm IST)