Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

જામનગર જિલ્લો કોરોના વેકિસનેશનમાં દેશમાં પ્રથમ ક્રમે

કોરોના મહામારીથી બચવા માટે વેકિસનેશન કેન્દ્રો ઉપર લોકોએ મોટા પ્રમાણમાં રસીકરણ કરાવ્યું : જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરાએ લોકોની જાગૃતિને બિરદાવી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૬ : જામનગર જિલ્લો કોરોના વેકસીનમાં સમગ્ર દેશમાં અવલ્લ રહ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખે જિલ્લાની જનતાનો આભાર માન્યો છે.

હાલ કોરોનાની મહામારી વચ્ચે વેકસીનેશન માટે સમગ્ર ભારતમાં ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે તાજેતરમાં જ ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ જામનગર જિલ્લો કોરોના વેકસીનમાં અગ્રેસર રહ્યો છે. ભારતમાં હાલ કોરોનાની બે રસીઓ આવી છે. જેમાં કોવેકસીન અને કોવિશિલ્ડ વેકસીનથી લોકોને કોરોનાની મહામારીમાં આપી સુરક્ષિત કરવામાં આવી રહ્યા છે.

જામનગર જિલ્લામાં ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખ રમેશભાઈ મુંગરા અને જિલ્લા ભાજપ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પણ હોદ્દેદારોથી લઈને નાનામાં નાના કાર્યકરે લોકોમાં વેકસીન માટે જાગૃતિ લાવવા કરેલ પ્રયત્નની ફલશ્રુતિરૂપે જામનગર જિલ્લામાં વેકસીનેશન બહોળા પ્રમાણમાં થયું છે.

સમગ્ર દેશમાં ઇન્ડિયા ટુડે ના અહેવાલ મુજબ જામનગર જિલ્લો અગ્રેસર રહ્યો છે. જેથી આ અંગેની ખુશી વ્યકત કરતા જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરાએ કોરોના વેકિસનેશનની કામગીરીમાં જોડાયેલ ભાજપના સૌ કાર્યકરો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામાજિક આગેવાનો અને સ્વૈચ્છિક સંસ્થાઓ ઉપરાંત મેડિકલ ટીમ ના તમામ સભ્યોનો આભાર વ્યકત કરી આ સિદ્ઘિ બદલ રાજીપો વ્યકત કર્યો છે.

સોશિયલ મીડિયામાં વેકિસન અંગે સમગ્ર દેશમાં જામનગર જિલ્લો અગ્રેસર આવતા જિલ્લા ભાજપ પ્રમુખે પોસ્ટ પણ શેર કરી છે. આ અંગે અકિલા સાથેની વાતચીતમાં રમેશભાઇએ જણાવ્યું હતું કે ભાજપના હોદેદારો કાર્યકરો અને અમારી સમગ્ર ટીમ દ્વારા જિલ્લાના દરેક ગામે એડી ચોટીનું જોર લગાવી કોરોના સામે લોકોને સુરક્ષિત કરવા જીતશે ગુજરાત હારશે કોરોના નારા સાથે વેકિસનેશન મહા અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેને લઇને કોરોનાની આ મહામારીમાં લોકોએ પણ વેકિસન માટે સારો ઉત્સાહ દાખવી વેકિસનેશન કેન્દ્રો ઉપર મોટા પ્રમાણમાં લોકો એ રસીકરણ કરાવ્યું છે. જેથી જામનગર જિલ્લો સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યો છે.

(1:06 pm IST)