Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

માં યોજનામાં મફત કોરોના સારવાર અને 18થી 45 વર્ષના લોકોને વેક્સિન મામલે સરકારની ઉઘાડી બનાવટ!!

વેક્સિનના અભાવે માત્ર દસ જિલ્લામાં જ વેક્સિનેશનના નાટક : લોકોમાં રોષ

મોરબી : રાજ્ય સરકાર કોરોના કાળમાં ગરીબ દર્દીઓની મજાક મસ્તી કરી લેતી હોવાની છાપ ઉપસી રહી છે, હાઇકોર્ટની ટકોરને પગલે રાજ્યની રૂપાણી સરકારે મોટે ઉપાડે માં યોજનાના લાભાર્થીઓને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની મફત સારવાર કરવામાં આવશે તેવી જાહેરાત કર્યા બાદ આજદિન સુધી સરકારની આ જાહેરાતનો અમલ થયો નથી તો બીજી તરફ 18થી 45 વર્ષના લોકોને 1મે થી કોરોના વેક્સિનની જાહેરાત કરાયા બાદ હજુ સુધી મોરબી સહિતના અનેક જિલ્લામાં વેક્સિનના અભાવે લોકો વેક્સિનથી વંચિત રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

કોરોના મહામારીના બીજા સ્ટ્રેનમાં ગુજરાત સરકાર તમામ મોરચે નિષ્ફ્ળ નીવડી હોય તેવી સ્થિતિ વચ્ચે સરકારી ખાનગી હોસ્પિટલોમાં લોકોને સારવાર મેળવવી મુશ્કેલ બનતા હાઇકોર્ટ દ્વારા ગરીબોને સમયસર સારી સારવાર મળે તે માટે સરકારને ફટકાર લગાવતા સરકારે માં યોજનાના લાભાર્થીઓને ખાનગી હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવારની જાહેરાત કરી હતી પરંતુ આ અંગે સત્તાવાર રીતે આજદિન સુધી કોઈ પરિપત્ર કે હુકમ કરવામાં ન આવતા સરકારની આ જાહેરાત ગરીબો માટે લોલીપોપ સમાન સાબિત થયેલ છે.

 એ જ રીતે ગુજરાત સરકાર દ્વારા 1મે થી રાજ્યના તમામ જિલ્લામાં 18થી 45 વર્ષના લોકોને કોરોના વેક્સીન આપવાનું જાહેર કર્યું હતું પરંતુ વેક્સિનના અભાવે મોરબી સહિતના અનેક જિલ્લાના લોકો કોરોના રસીકરણનો લાભ લઇ શક્ય નથી બીજી તરફ 10 જિલ્લામાં ચાલી રહેલ કોરોના રસીકરણ કાર્યક્રમમાં પણ ઓનલાઇન રજીસ્ટ્રેશન બાદ નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર રસી મુકાવવા માટે લોકોને એપોઇન્ટમેન્ટ ન મળતી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે.

(6:52 pm IST)