Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

મુન્દ્રા પોર્ટ ઉપર ટાઇલ્સની આડમાં વે-પ્રોટીન મંગાવી દાણચોરી : દિલ્હીની કંપનીને ૪ કરોડનો દંડ

નાના વ્યાપારીઓ સામે કડકાઈ પણ દેશની તિજોરીને નુકસાન પહોંચાડતા તત્વો સામે કડક કાર્યવાહી કેમ નહીં? વ્હાઈટ કોલર દાણચોરી રોકવા બેંક ખાતા સીલ કરી કસ્ટમ હાઉસ સામે પણ કડક પગલાં જરૂરી, આવા કેસો વિશે પ્રેસનોટ રિલીઝ કરવી જોઈએ

(વિનોદ ગાલ દ્વારા)ભુજ,તા.૬ :  આયાત નિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા મળેલી નાણાકીય છૂટછાટનો દુરુપયોગ કરી વ્હાઈટ કોલર દાણચોરી કરવાનો વધુ એક કિસ્સો મુન્દ્રા પોર્ટ ઉપરથી ઝડપાયો છે. ડીઆરઆઈએ મુન્દ્રા પોર્ટ ઉપર દિલ્હીની એક પાર્ટીએ ટાઈલ્સની આડમાં મંગાવેલા વી-પ્રોટીનનો મોટો જથ્થો ઝડપી પાડયો હતો.

દિલ્હીની એસ.વી. ઈન્ડસ્ટ્રીઝ દ્વારા દુબઈની જેટ ગેટ વે એકસપ્રેસ શિપિંગ પાસેથી ટાઈલ્સનું કન્ટેનર મંગાવાયું હતું. જે ચેકીંગ માટે ખોલાવતા તેમાં ટાઈલ્સ ની પાછળ છુપાવાયેલ વે-પ્રોટીનના ૧૬,૬૧૪ ડબ્બા મળી આવ્યા હતા. આ વે-પ્રોટીન જીમમાં ભારે વેચાય છે. ડીઆરઆઈએ આ બાબતે કસ્ટમની વિવિધ કલમો તળે આયાત નિકાસ કાર ઉપરાંત કસ્ટમ હાઉસ એજન્ટ સાર્ક એન્ટરપ્રાઈઝ એમ તમામ ઉપર કુલ મળીને ૪.૩૮ કરોડનો દંડ ફટકાર્યો છે. જોકે, એકથી વધુ વાર ઝડપનારાઓના ફોરેન વ્યાપારના લાયસન્સ કેન્સલ કરવા જોઈએ.

તો કસ્ટમ હાઉસ એજન્ટોની ભૂમિકા શંકાસ્પદ લાગે તો તેમને પણ ડાઉનગ્રેડ આપી વોચ માં મુકવા જોઈએ. એક બાજુ કેન્દ્ર સરકાર નાના વ્યાપારીઓ અને લઘુ મધ્યમ ઉદ્યોગો સામે જીએસટી સહિતના દંડ બદલ કડક પગલાં ભરી બેંક ખાતા સીલ કરી ફોજદારી ફરિયાદ કરે છે.

પણ દેશની તિજોરીને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડતા વ્હાઈટ કોલર દાણચોરો સામે માત્ર દંડ જ કરાય છે, તેને બદલે આવા તત્વો સામે બેંક ખાતા સીલ કરવા સહિત કસ્ટમ હાઉસની'યે તપાસ કરી કાયદાકીય પગલાં ભરવા જોઈએ. કસ્ટમ, ડીઆરઆઈ એ આવા કેસો ઝડપાય ત્યારે પ્રેસનોટ રિલીઝ કરી સમાચાર માધ્યમો દ્વારા દેશની તિજોરીને નુકસાન પહોંચાડનારા તત્વોને સમાજમાં ઉજાગર કરવા જોઈએ. જેથી રાષ્ટ્રદ્રોહી તત્વોને પણ સબક મળે.

(10:14 am IST)