Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્યના વધુ ૧૪૦૦થી વધુ ગામોના ખેડૂતોને દિવસે વિજળી આપવાની કામગીરીનો પ્રારંભઃ વિજયભાઈ રૂપાણી

ગુજરાતનો ખેડૂત ખેતરમાં ડોલર અને પાઉન્ડ કમાતો થાય તેવુ કૃષિ કલ્યાણનું રોલમોડેલ બનાવવું છેઃ ખેડૂતોની આવક બમણી કરવા નરેન્દ્રભાઈ મોદીના સપનાને સાકાર કરવા ગુજરાત આગળ વધે છેઃ વિશ્વની બજારમાં ગુજરાતનો ખેડૂત ઉભો રહી શકે અને પાછો ન પડે તે માટે ગુજરાતમાં ૧૦૦ એફપીઓ બનશેઃ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કચ્છમાં રાજ્યકક્ષાના કિસાન સન્માન દિવસની ઉજવણી

(વિનોદ ગાલા દ્વારા) ભૂજ, તા. ૫ :. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છ-ભુજમાં કિસાન સન્માન દિવસ ના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ગુજરાતના કૃષિકારો નું સન્માન કરતા સ્પષ્ટ જણાવ્યું કે અમારી સરકારે ખેડૂતોના કલ્યાણ માટે રાત-દિવસ કામ કર્યું છે. ૨૫ વર્ષ પહેલા અગાઉની સરકારોએ ખેડૂતને અધોગતિ તરફ ધકેલી દીધો હતો.

 ખેડૂતનું કલ્યાણ અને હિત થાય અને ખેડૂતો સમૃદ્ધ બને તે માટે રાજ્ય સરકારી અથાગ પરિશ્રમ કર્યો છે તેમ જણાવીને ખેડૂતના નામે માત્ર વાતો કરનારા ખેડૂત વિરોધીઓ ને સ્પષ્ટ જણાવ્યું હતું કે તેઓ કાન ખોલીને સાંભળી લે કે જગતનો તાત અન્નદાતા સુખી અને સમૃદ્ધ થાય તે માટે અમે કટિબદ્ધ છીએ.

 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં જ્યોતિગ્રામ યોજના શરૂ કરીને ગામડા અને ખેતીને બેઠી કરવા પાયો નાખ્યો અને અમારી સરકારે વડાપ્રધાને ચીંધેલા કૃષિ વિકાસના માર્ગે કૃષિ કલ્યાણ ના અનેક નિર્ણયો લઈને ખેડૂત ની પ્રગતિ થાય તે દિશામાં નક્કર કામ કર્યું છે.

 પાંચ વર્ષમાં રાજ્ય સરકારે કૃષિ કલ્યાણના કરેલા  કાર્યો અને યોજનાઓ ની વિસ્તૃત માહિતી આપી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોને ખેતીમાં રાત્રે ઉજાગરા ન કરવા પડે તે માટે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરાવીને ખેડૂતના હિતમાં એક ઐતિહાસિક પગલું લેવાયું છે. રાજ્યમાં આજથી વધુ ૧૪૦૦ ગામોમાં દિવસે વીજળી પહોંચી રહી છે તેમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ગુજરાતના ખેડૂતમા તાકાત રહેલી છે. તેને પાણી બિયારણ અને વીજળી મળે તો સોનુ પકાવવા જેવી ખેડૂત માં ક્ષમતા છે તેમ ખેડૂતોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે અગાઉ કચ્છ અને સૌરાષ્ટ્ર ના કેટલાક વિસ્તારોમાં પાણી માટે હિજરત કરવી પડતી હતી ત્યારે ખેતીમાં નર્મદાનું સિંચાઈનું પાણી અપાશે એવી કોઈને કલ્પના ન હતી. અમે છેક  કચ્છના સૂકા વિસ્તારોમાં પાણી પહોંચાડીને કચ્છ અને સૌરાષ્ટ્રને પાણીદાર બનાવ્યું છે. કચ્છમાં સોનાનો સૂરજ ઊગવાનો છે તેમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે કચ્છમાં પશુપાલન અને ખેતીને ઉત્તેજન આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

મુખ્યમંત્રીશ્રીએ આ તકે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે કચ્છમાં કૃષિ યુનિવર્સિટીની કોલેજ અને વેટરનરી કોલેજ બનાવવામાં આવશે. કચ્છના પશુપાલનને ઉત્તેજન આપીને પશુપાલક ની પણ આપણે પ્રગતિ કરવી છે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના ખેડૂતોની વિશાળ ક્ષમતા અને આગવી કોઠાસૂઝ ને સન્માનિત પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂત ખેતરમાં ડોલર અને પાઉન્ડ પકવતો થાય અને કૃષિ પેદાશો દેશમાં અને વિદેશમાં તેની માંગ વધે વિકાસ થાય તેવું રોલ મોડલ ગુજરાતમાં પ્રસ્થાપિત કરવું છે.

છેલ્લા પાંચ વર્ષમાં સાડા પાંચ લાખ ખેતીવાડી ક્ષેત્રે કનેકશન આપવામાં આવ્યા છે.  ૧૯ હજાર કરોડના ખર્ચે ખેડૂતોની ખેત પેદાશો ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. પહેલા ખેડુત દેવાદાર હતો . ઊંચા વ્યાજે લોન લેવી પડતી હતી . સરકારી ઝીરો ટકા વ્યાજે લોન આપીને સાત પગલા ખેડૂત કલ્યાણના સહિત અનેક યોજના લાવીને ખેડૂતને વિકાસની મુખ્યધારા માં જોડવા સેવાયજ્ઞ કર્યો છે .

કૃષિ કલ્યાણ માટે રૂપિયા ૯ હજાર કરોડના કૃષિલક્ષી પેકેજ  આપવામાં આવ્યા છે એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ મૂલ્યવર્ધિત ખેતી અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે રાજ્ય સરકારની કૃષિ લક્ષી યોજનાઓ નો ખેડૂતોને લાભ લેવાનું જણાવીને ગુજરાતનો ખેડૂત વિશ્વની બજારમાં ઊભો રહે અને ક્યાંય પાછો ના પડે તે માટે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં પ૧ એફ.પી.ઓ બનાવવાની યોજના ગુજરાતમાં આગળ વધી રહી છે, અત્યાર સુધીમાં ૫૧એફ.પી.ઓ  બની ગયા છે અને ૧૦૦ એફ.પી.ઓ  બનાવવાનું સરકારનું આયોજન છે તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે કૃષિમંત્રી આર.સી.ફળદુ એ જણાવ્યું હતું કે રાજય સરકારે સતત પાંચ વર્ષ સુધી જનસેવા અને ખેડૂતોના કલ્યાણ માટે કામ કર્યું છે. ખેડૂતો ના પાકને નુકસાન ન થાય તે માટે કાંટાળી વાડની યોજના અમલમાં મૂકીને ખેડૂતોની ચિંતા દૂર કરી છે. વીજ વિતરણ વ્યવસ્થામાં ખેડૂતો માટે પાંચ વર્ષમાં ૨૯ હજાર કરોડથી વધુ સબસિડી આપવામાં આવી છે. ખાતરમાં ૧૯ હજાર કરોડથી વધુ અને યાંત્રીકરણ ટ્રેકટર માટે ૬૨૫ કરોડની સહાય આપવામાં આવી છે.

 મુખ્યમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યના ૧૨૦ સ્થળોએ કૃષિ સન્માન દિવસના કાર્યક્રમોમાં ૪૩ કરોડથી વધુ રકમના કૃષિ લક્ષી લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ૧૪૦૦થી વધુ ગામોમાં કિસાન સૂર્યોદય યોજના નો કચ્છ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. કચ્છના ભુજ માં વરસાણી હાઇસ્કૂલના મેદાનમાં યોજાયેલા કાર્યક્રમમાં સરદાર પટેલ એવોર્ડ વિજેતા ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું .સાત પગલા ખેડૂત કલ્યાણ ના અંતર્ગત વિવિધ યોજનાઓના લાભાર્થી ખેડૂતોને સહાય અને કૃષિ ઓજારો નું વિતરણ કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રીશ્રીએ કૃષિ પરિવહન યોજના અંતર્ગત કૃષિ કારોના ૧૪ વાહનો લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્ય મંત્રીશ્રીના હસ્તે જૈવિક પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોની સાફલ્યગાથા રજૂ કરતાં પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. બીજ નિગમ ના ખેડૂતો માટેના સાત ગોડાઉનો નું મુખ્ય મંત્રીશ્રી હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

કૃષિ અને ઉર્જા વિભાગ આયોજીત આ કાર્યક્રમમાં અગ્ર સચિવ શ્રી મમતા વર્માએ શાબ્દિક સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા,ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા ,નીમાબેન આચાર્ય,જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પારૂલબેન કારા, ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ, નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર. મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, કૃષિ વિભાગના સચિવ શ્રી મનીષ ભારદ્વાજ, શ્રી રાજીવ ગુપ્તા, પીજીવીસીએલના ધીમંત કુમાર વ્યાસ અને ખેતીવાડી નિયામક બી. એમ .મોદી ,વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત કલેકટર શ્રી પ્રવિણા ડી.કે.,ડીડીઓ સહિતના અધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

(12:04 pm IST)