Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

વિસાવદર-બિલખા રોડ પર રેડિયમ સ્ટીકર, વળાંકોમાં સાઇન બોર્ડ, ટ્રાફિક નિશાનીઓ ત્વરિત દર્શાવી અકસ્માતો નિવારવા પ્રબળ લોકમાંગ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૬, વિસાવદરથી બીલખા રોડ વચ્ચેના વળાંકોમાં સાઈન બોર્ડ મુકવા તથા ટ્રાફિક નિશાનીઓ,રેડિયમ સ્ટીકર લગાવવા પ્રબળ લોકમાંગ પ્રવર્તે છે.

સ્વૈચ્છિક સંસ્થા ટિમગબ્બરના સ્થાપક એડવોકેટ કે.એચ.ગજેરા તથા વિસાવદરના સ્થાનિક એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા મુખ્યમંત્રી, સચિવ, માર્ગ અને મકાન વિભાગ, કાર્યપાલક ઈજનેર(સ્ટેટ) જુનાગઢ વિગેરેને લેખિત રજુઆતમાં જણાવેલ છે કે તાજેતરમાં વિસાવદર-બીલખા રોડ નવો બનાવવામાં આવેલ છે. આ રોડ નવો બનેલ હોવાથી કોઈપણ વાહન સ્પીડથી આવતું હોય તે સમજી શકાય તેવી બાબત છે.આ રોડ ઉપર ઘણા બધા વળાંકો, સર્પાકાર વળાંકો, પુલ, સીધો રોડ, ટર્ન રોડ એવા અન્ય રોડ આવતા હોય આ વળાંક પહેલાની જગ્યાએ નિયમ મુજબના સાઈન બોર્ડ મુકવા જોઈએ અને કિલોમીટરની જાણના પણ બોર્ડ ન હોવાના કારણે વાહન સ્પીડથી આવતું હોય વળાંકના બોર્ડ વર્ષોથી ન હોય તેથી અવાર નવાર અકસ્માતના બનાવો બનતા હોય એમ છતા પણ આર.એન્ડ.બી. ડિપાર્ટમેન્ટને કે અન્ય વિભાગને આ નજરમાં આવતું ન હોય તેથી રાત્રીના સમયે જલ્દીથી ડ્રાઈવિંગ કરતા લોકોને સરળતાથી દેખાય એવા  રેડિયમની નિશાની તાત્કાલિક તમામ વળાંક વાળી જગ્યાએ સાઈન બોર્ડ લગાવવા માગણી છે. ઉપરાંત અમારા જાણવા મુજબ કોઈપણ નવા રોડ બને તેમાં રોડમાં નીચે લાઈટો ફિટ કરવાની હોય છે અને વળાંકો તથા સ્પીડ બ્રેકર ચોક્કસ ઊંચાઇના તથા આકારના હોવા જોઇએ તેની ઉપર સફેદ કલરના પટ્ટા દોરવા ફરજિયાત છે.જેથી વાહનચાલકને સ્પીડ બ્રેકર હોવા અંગેની જાણ થાય.મુશ્કેલી છે કે બન્ને નિયમોનું ચુસ્તપણે પાલન નથી થતું.સ્પીડ બ્રેકરની બિનજરૂરી વધારાની ઊંચાઇથી અકસ્માત વધવાની સંભાવના રહે છે.આ રોડ ઉપર આવેલ સ્પીડબ્રેકરો પાસે રેડિયમ બોર્ડ લગાવવામાં આવે જેથી વાહનચાલકને આગળ સ્પીડ બ્રેકર હોવાનું માલુમ પડે અને વાહનનું સંતુલન જાળવી શકે અને અકસ્માત અટકી શકે તેમ ધારાશાસ્ત્રી નયનભાઈ જોશીએ જણાવ્યું છે.

(12:51 pm IST)