Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

મુકબધિર માતા-પિતાનાં ૧૨ વર્ષના પુત્રએ ગૌતમ અદાણીને રેખા ચિત્ર અર્પણ કર્યુઃ ઉદ્યોગપતિએ ચાંદીની ગજરાજની પ્રતિમા ભેટ આપી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૬ : ૧૨ વર્ષનો અમદાવાદનો હેમલ ભાવસાર આજે અદાણી ગૃપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીનો ખાસ મહેમાન બન્યો હતો. બે-ચાર પેઢીઓથી ચિત્રકલાના વ્યવસાયમાં સંકળાયેલા પરિવારમાં ઉછરતો હેમલ પોતાના વડીલોને જોઇને છાપાઓ કે મેગેઝીનમાં ફોટાઓ દેખી દેખીને નાની વયથી આડા અવળા લીટોડા કરી સ્કેચ બનાવવા પ્રયાસ કરતો હતો. મૂક-બધીર માતા-પિતાના પુત્ર હેમલે શ્રી ગૌતમ અદાણીનો સ્કેચ બનાવ્યો હતો અને આ સ્કેચ તેણે ટ્વીટર ઉપર મૂકીને ગૌતમ અદાણીને ટેગ કર્યા હતા.       

હેમલનો નંબર મેળવી તેને જણાવ્યું કે  'તમે જેમનો સ્કેચ બનાવ્યો છે તે શ્રી ગૌતમ અદાણીને તમને મળવાની ઇચ્છા છે.' હેમલને પહેલા તો કોઇ સપનું જોતો હોય તેવો ભાસ થયો. પરંતુ આ હકીકત બનવા જઇ રહી હતી.         

પોતાનો આ સ્કેચ જોઇને તેમણે આજે આ બાળકને લેવા-મૂકવાની વ્યવસ્થા સાથે ખાસ મળવા માટે વૈષ્ણવ દેવી નજીકના શાંતીગ્રામ ખાતેની ગૃપની કોર્પોરેટ ઓફિસમાં આમંત્રણ આપ્યું હતું. પોતાનો આ સ્કેચ એક મોટા ઉદ્યોગકારની રુબરુ મુલાકાત તરફ દોરી જશે એવી હેમલ જ નહી તેના વડીલોને પણ કલ્પના નહોતી.        

પોતાનું આબેહૂબ રેખા ચિત્ર જોઇને હેમલની હસ્તકલાથી પ્રભાવિત થયેલા શ્રી ગૌતમ અદાણીએ હેમલને ચાંદીની ગજરાજની પ્રતિમા અને ચિત્રકામની કીટ ભેટમાં આપી હતી. હેમલે ભેટ સ્વીકારતા ટવીટ કર્યું હતું કે મને ખૂશી છે કે હું ગૌતમભાઇ અદાણીને તેમની ઓફિસમાં મળી શકયો. તેમના આશિર્વાદે મને પ્રેરણા પૂરી પાડી છે.

હેમલના દાદાએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તેણે ભારતની અનેક મોટી હસ્તીઓના સ્કેચ બનાવ્યા છે પરંતુ શ્રી અદાણી જેવા મોટા માણસ સૌ પ્રથમ એવી વ્યકિત છે જેણે હેમલની કલા પ્રતિભાને રુબરુ બોલાવીને પોંખી છે.         

ન્યુ સી.જી.રોડ ખાતેની સાકાર શાળાના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થી હેમલને સ્કેચ -રેખા ચિત્રો બનાવવાની આવડત વારસામાં મળી છે. ચાર પેઢીથી પેઇન્ટીગ સાથે જોડાયેલા પરિવારના હેમલના પિતા શ્રી રાહુલભાઇ મૂક બધિરતાની શારીરિક ઉણપ સાથે અમારા વ્યવસાયના પત્ર વ્યવહાર અને  કોમ્પ્યુટર સંબંધી કામકાજ સંભાળે છે. હેમલના મમ્મી નીશાબેન ગૃહકાર્ય સંભાળે છે.

(4:57 pm IST)