Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ કરશે દ્વારિકાધીશ અને નાગેશ્વર મહાદેવના દર્શન: સુરક્ષા કાફલો તૈનાત

ઉપરાષ્ટ્રપતિના આગમનને લઇને અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ : 6 ડીવાયએસપી,12 પીઆઈ, 45 પીએસઆઈ તથા 1100 જેટલા પોલીસ જવાન, હોમગાર્ડઝ, એસઆરડી તથા અન્ય સુરક્ષા જવાનો તૈનાત રહેશે.

  તારીખ 6 ઓગસ્ટના રોજ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા દ્વારિકાધીશના દર્શન કરશે. સાથે જ તેઓ પવિત્ર શ્રાવણ માસમાં નાગેશ્વર જ્યોર્તિલિંગમાં  દર્શન કરશે. ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂ જગત મંદિર આવવાના હોવાથી સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉપરાષ્ટ્રપતિના આગમનને લઇને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા પણ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

દ્વારકા એસ.પી. (SP) નિતેશ પાંડેય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિના આગમનને લઇને અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 6 ડીવાયએસપી, 12 પીઆઈ, 45 પીએસઆઈ તથા 1100 જેટલા પોલીસ જવાન, હોમગાર્ડઝ, એસઆરડી તથા અન્ય સુરક્ષા જવાનો તૈનાત રહેશે. સુરક્ષા બાબતે આજથી જ રિહર્સલ કરવામાં આવી રહી છે તથા દ્વારકાની અંદર પ્રવેશવાના માર્ગો પર ચેક પોસ્ટ ઉપર બહારથી દ્વારકા આવતા તમામ લોકોને પણ ચેક કરવામાં આવી રહ્યા છે.

ઉપરાષ્ટ્રપતિના આગમનના અનુસંધાને પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ આગામી શનિવારે જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ નાગેશ્વર જ્યોતિર્લિંગ અને જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરશે. જેના સુચારૂ આયોજન અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, અધિક નિવાસી કલેકટર કે.એમ. જાની, ડી.આર.ડી.એ. નિયામક ભાવેશ ખેર, દ્વારકાના તથા ખંભાળિયાના પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

(11:39 pm IST)