Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

જીવાપરમાં આજથી વૃક્ષ મહોત્‍સવનો પ્રારંભ : ગામમાં દિવાળી જેવો માહોલ

વૃક્ષારોપણ ક્ષેત્રે નવો ચીલો ચાતરતું જસદણ તાલુકાનું નાનકડુ ગામઃ શાષાોકત વિધીથી રોપાનું પૂજનઃ બે દિવસીય વૃક્ષ ઉત્‍સવમાં સૌ કોઇ જોડાયા : પદ્મશ્રી સવજીભાઇ ધોળકીયા, સદભાવના ટ્રસ્‍ટના વિજયભાઇ ડોબરીયાની વિશેષ ઉપસ્‍થિતી

જસદણ તાલુકાનાં જીવાપર ગામે વરસતા વરસાદમાં આજથી બે દિવસ વૃક્ષ મહોત્‍સવનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. તેમાં સવારે ગ્રામ પંચાયત કચેરીમાં શાષાોકત વિધિ દ્વારા ગ્રામપંચાયતમાં પાંચ વૃક્ષો રોપી શણગારેલા ટ્રેકટરોમાં વૃક્ષો લઇ ડી.જે.ના તાલે ગામમાં શોભાયાત્રા નિકળી હતી તેની તસ્‍વીર (તસ્‍વીરઃ વિજય વસાણી-આટકોટ)
(વિજય વસાણી દ્વારા) આટકોટ,તા. ૬ : જસદણ તાલુકાના અઢીથી ત્રણ હજારથી વસ્‍તી ધરાવતા જીવાપર ગામમાં ચાર હજારથી વધુ વૃક્ષો વાવી અને તેનુ જતન કરવાનાં વૃક્ષ મહોત્‍સવનો આજ સવારથી શાષાોકતવિધિથી પ્રારંભ થયો છે. આ મહોત્‍સવમાં જીવાપરના રહેવાસી અને બહાર રહેતા લોકો અને સમગ્ર ગ્રામજનો જોડાયા છે અને રાજ્‍યમાં એક નવો ચિલો ચાતરી અનેક ગામોને પ્રેરણા મળે તેવું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે.
દેશભરમાં આપણી સંસ્‍કૃતિ મુજબ આપણે ઉત્‍સવો જુદા-જુદા પ્રાંતોના રીત-રીવાજ મુજબ ઉજવીએ છીએ પરંતુ જસદણ તાલુકાના નાનકડા ગામે આજથી બે દિવસ વૃક્ષ-ઉત્‍સવના આયોજને સમગ્ર રાજ્‍યનું ધ્‍યાન દોર્યું છે.
જીવાપર ગામનાં વતની અને હાલ સુરત રહેતા દિવ્‍યેશભાઇ સાવલીયાને થોડા  વખત પહેલા સુરત બેઠા-બેઠા વિચાર આવ્‍યો કે જીવાપર ગામને હરીયાળુ બનાવવું તેમણે ત્‍વરીત સુરત, અંકલેશ્વર, ભરૂચ, અમદાવાદ, રાજકોટ અને બીજે વસતા યુવાનોને અને ઉદ્યોગપતિને વાત કરી જેમાં વિપુલભાઇ બોદર સુરત, જયસુખભાઇ સાવલીયા, અશોકભાઇ બોદર અંકલેશ્વર, દિલિપભાઇ સાવલીયા, અશ્વિનભાઇ સાવલીયા ભરૂચ, વેલજીભાઇ ચોથાણી, જનકભાઇ ચોથાણી અમદાવાદ, જીતુભાઇ પાનસેરીયા, કમલેશભાઇ રામાણી રાજકોટ સહિતના લોકોનો પુરતો સહયોગ મળતા રાજ્‍યને નવો રાહ ચિંધનાર વૃક્ષ મહોત્‍સવનો પ્રારંભ થયો..!!
જીવાપર ગામમાં આયોજીત આ વૃક્ષ મહોત્‍સવમાં સ્‍થાનિક ગ્રામજનો પાસેથી કોઇ જ યોગદાન લેવાયુ નથી બહાર વસતા જીવાપર ગામના યુવાનો અને વેપારીઓ દ્વારા આ વૃક્ષ મહોત્‍સવનો તમામ ખર્ચ ઉઠાવવામાં આવ્‍યો છે.
જો કે છેલ્લા અઠવાડીયાથી ગ્રામજનો જેમાં યુવાનો, વડીલ અને વૃધ્‍ધો સહીત બહેનો પણ આ મહોત્‍સવમાં જોડાય ગયા છે અને છેલ્લા બે-ત્રણ દિવસથી જે.સી.બી. મશીનો દ્વારા ખાડા ખોદવાનું અને વૃક્ષો વાવીને તેનુ જતન કરવા પીંજરા બાંધવાનું ભગીરથ કાર્ય ગામના પાદરના આવેલ રમેશભાઇ સાવલીયા (માસ્‍તર)ની વાડીએ રાત-દિવસ ચાલુ છે.
ગ્રામજનો દ્વારા તેમના કામ ધંધા બંધ કરી ટ્રેકટરો લઇ વૃક્ષો અને પીંજરા જુદી-જુદી જગ્‍યાએ પહોંચાડી ખૂબ જ મહનેત કરી રહ્યા છે.
વૃક્ષોના વાવેતરથી લઇ તેમના જતન સુધી ગામના જ યુવાનોની ૬ ટીમો બનાવવામાં આવી છે તે ગામમાં પ્રવેશતા જુદા-જુદા રોડ ઉપર અને ગામમાં આજથી વૃક્ષાો વાવવાનુ઼ ચાલુ કરી દીધુ છે.
બે દિવસ ચાલનારા આ મહોત્‍સવનો આજે સવારે વૈદિક મંત્રોચ્‍ચાર સાથે ગ્રામ પંચાયત કચેરીના પટાંગણમાં પાંચ વૃક્ષો વાવી પ્રારંભ કરવામાં આવ્‍યો છે.
બાદમાં શણગારેલા ટ્રેકટરો વૃક્ષાો લઇ ડી.જે.ના તાલે ગામમાં રેલી સ્‍વરૂપે ફર્યા હતા.
આજે અને કાલે બે દિવસ ૬ ટીમો દ્વારા વૃક્ષો રોપવામાં આવશે. આજે રાત્રે લોકસાહીત્‍યકાર મનસુખભાઇ વસોયા, સેજલબેન ગૌસ્‍વામી, મહેશ ભગત, સહીતના કલાકારોનાં લોક ડાયરાનું પણ આયોજન રાખવામાં આવ્‍યુ છે.
આજે રાત્રે સુરતના અગ્રણી ઉદ્યોગપતિ પર્યાવરણપ્રેમી અને પદ્મશ્રી સવજીભાઇ ધોળકીયા, સદભાવના ટ્રસ્‍ટના વૃક્ષપ્રેમી વિજયભાઇ ડોબરીયા, પરષોતમભાઇ કમાણી, મનસુખભાઇ પાંભર સહિતના શ્રેષ્‍ઠીઓ ઉપસ્‍થિત રહેશે.
કાલે સાંજે ગામ જમણવાર બાદ કાર્યક્રમનું સમાપન થશે.
આ મહોત્‍સવમાં સહભાગી થવા અને લોકડાયરાની મજા માણવા આજુબાજુના ગ્રામજનોને ઉપસ્‍થિત રહેવા જીવાપર ગ્રામજનોએ યાદીમાં જણાવ્‍યુ છે.
આ વૃક્ષ મહોત્‍સવનનો લાભ લેવા સુરત સહિતના ગામોમાંથી જીવાપરનાં  વતની બે દિવસ જીવાપર ખાતે મોટી સંખ્‍યામાં બસો ભરીને આવી ગયા છે. જીવાપરમાં બે દિવસ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

કોરોનામાં મૃત્‍યુ પામેલા ૩૭ લોકોની યાદમાં તેમના નામથી વૃક્ષારોપણ
(વિજય વસાણી દ્વારા) આટકોટ,તા. ૬ : જીવાપર ગામે આજથી બે-દિવસ યોજાનાર વૃક્ષ મહોત્‍સવમાં ગામના જ કોરોના કાળમાં મૃત્‍યુ પામેલા ૩૭ લોકોની કાયમી યાદ જળવાય એ માટે તેમના નામથી વૃક્ષો વાવવામાં આવશે.
કોરોના કાળમાં જીવાપર ગામમાંથી કુલ ૩૭ લોકોના મૃત્‍યુ થયા હતા. આ લોકોની કાયમી યાદ ગામમાં જળવાઇ રહે તે માટે યુવાનો દ્વારા જુદી-જુદી જગ્‍યાએ મૃતકોના નામથી વૃક્ષો રોપ્‍યા છે. જેનુ જતન કરી તેમની યાદને કાયમી કરવામાં આવશે.
જીવાપરના ગ્રામજનોનાં આ ભગીરથ કાર્યને અને ગામને હરીયાળુ બનાવવા જે વૃક્ષ મહોત્‍સવ યોજવામાં આવ્‍યો છે તેને ઠેર-ઠેર થી અભિનંદન મળી રહ્યા છે. અને અનેક ગામડા આ અભિયાનથી પ્રેરાઇ પોતાના ગામમાં પણ આવું કરવા આગળ આવ્‍યા છે.

સરકારી સહાય અને રાજકીય આગેવાનો વગર કાર્યક્રમ
(વિજય વસાણી દ્વારા) આટકોટ,તા. ૬ : જીવાપર ગામે આજથી પ્રારંભ થયેલા વૃક્ષ મહોત્‍સવમાં કોઇ પણ જાતની સરકારી સહાય વગર અને કોઇ પણ પક્ષનાં રાજકીય આગેવાનોની હાજર વગર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે.
નાનકડા ગામડાઓમાં જુદા-જુદા રાજકીય પક્ષોના આગેવાનોની આંતરીક લડાઇને લીધે આજે નાનકડા ગામડાઓમાં ભાઇ-ચારો ભૂલાઇ લડાઇ ઝગડા ચાલુ થયા છે. ત્‍યારે ગામના યુવાનોએ ગામનું વાતાવરણ કુંટુંબ ભાવના જેવું જળવાઇ રહે તે માટે વૃક્ષ મહોત્‍સવમાં કોઇ પણ રાજકીય આગેવાનને ન નોતરી નવો ચીલો ચાતર્યો છે. ઉપરાંત સરકારી સહાય પણ નથી લીધી.
જો કે રાજ્‍ય સરકારે આવા યુવાનોને પ્રોત્‍સાહન પુરૂ પાડવા સામાન્‍ય સન્‍માન પત્ર આપી તેમની સેવાને બીરદાવવી જોઇએ.

 

(12:22 pm IST)