Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ના સાંનિધ્‍યે કાલે યુવા શિબિર

પુનડી કચ્‍છમાં SPM આરોગ્‍યધામના પ્રાંગણે : ફ્રેન્‍ડશીપ ડે નિમિત્તે ‘કલ્‍યાણ મિત્ર, જો હમે બનાએ સ્‍વમિત્રઃ ‘ટોક શો' અને જપ સાધનાનું આયોજન

રાજકોટ, તા.૬: કચ્‍છ ક્ષેત્રના પુનડી ગામ સ્‍થિત SPM આરોગ્‍યધામ ખાતે ચાતુર્માસ અર્થે બિરાજી રહેલા રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ ૪૨ સંત-સતીજીઓના સાંનિધ્‍યે વિશેષરૂપે વેસ્‍ટન કલ્‍ચરથી રંગાઈને પતન તરફ દોરાઈ રહેલા એમની જ રસ-રૂચિ અનુસારના ગમતા અનુષ્ઠાનો યોજીને આજના હજારો યુવાનોને લોજિક સાથેનું તથ્‍ય અને સત્‍ય સમજાવવા તેમજ અયોગ્‍યથી યોગ્‍ય દિશાનું માર્ગદર્શન આપવા કાલે રવિવાર તા.૭ના દિવસે ‘કલ્‍યાણ મિત્ર - જો હમે બનાએ સ્‍વમિત્ર' યુવા શિબિર, આ અનોખી શિબીર સાથે જ, સમગ્ર ચાતુર્માસ દરમિયાન પરમ ગુરુદેવના બ્રહ્મનાદે દર રવિવારે કરાવવામાં આવતી મહાપ્રભાવક શ્રી ઉવસગ્‍ગહરં સ્‍તોત્ર જપ સાધનાના ચતુર્થ ચરણની સાધના આ અવસરે કરાવવામાં આવશે.

વિશેષમાં આજના યંગસ્‍ટર્સના મનમાં ઉઠતી અનેક પ્રકારની જિજ્ઞાસાઓ, ઉત્‍કંઠાઓ અને પ્રશ્નોના ત્‍યારે જ પરમ ગુરુદેવ દ્વારા સચોટ અને યથાર્થ સમાધાન સાથેનો વિશિષ્ટ ‘ટોક શો' આ અવસરે યોજાશે. પ્રભુ ભક્‍તિ, કલ્‍યાણ મિત્ર સાથેની મિત્રતા અને સત્‍યનું પ્રાગટ્‍ય કરાવતાં ત્રિવેણી સંગમ સ્‍વરૂપ આ અવસરે દરેક ધર્મપ્રેમી ભાવિકો તેમજ યંગસ્‍ટર્સને પ્રત્‍યક્ષ કે લાઈવના માધ્‍યમે સવારે ૯ કલાકે જોડાઈ જવા શ્રી SPM પરિવાર દ્વારા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

(11:31 am IST)